હળવદના સમલી ગામના ખેત મજુરના બે પુત્ર મિલ્ખાસીંગ બન્યા

૫૦ મીટર દોડમાં જિલ્લામાં પ્રથમ : રાજયકક્ષાએ ઝળહળતી સિધ્ધિ મેળવે તેવી શુભેચ્છા પાઠવતા ગ્રામજનો

હળવદ : મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં અન્ડર – ૧૧માં પ૦ મીટર દોડમાં હળવદ તાલુકાના સમલી ગામની પ્રાથમિક શાળાનો વિજય થયો હતો. જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધ્વ કર્યા બાદ રાજયકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અતિ પછાત અને ખેત મજુર પરિવારના એક જ ઘરમાંથી બે મિલ્ખાસિંઘ બનીને ઉભરી આવ્યા છે.

મોરબી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની એથ્લેટીકસ સ્પર્ધાઓ હળવદની ઉમા વિદ્યાસંકુલ ખાતે યોજાઈ હતી. જે પૈકી અંન્ડર ૧૧માં પ૦ મીટર દોડ સ્પર્ધામાં હળવદની સમલી ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી નાયકા વિજય વેચલાભાઈએ જિલ્લા કક્ષાએ ટોચનું સ્થાન હાંસલ કરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

આ તકે તાલુકાના ટીપીઓશ્રી, શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષક ગણ તેમજ સીઆરસી કો-ઓર્ડિનેટર, એસએમસી અધ્યક્ષ અને ગામના સરપંચ સહિત પે.સેન્ટરના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં રાજયકક્ષાએ ઝળહળતી સિધ્ધિ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે,બે વર્ષ અગાઉ ખેલ મહાકુંભમાં આ જ શાળામાં અભ્યાસ કરતો વિજયનો મોટો ભાઈ અનિલ પણ દોડ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. જે સમલી શાળા અને તેમના પરિવાર માટે એક સન્માનીય બાબત ગણાય તેમ છે.