મોરબી તળાવ કૌભાંડમાં મંડળીએ રૂ.૫૫ લાખનું કરી નાખ્યું

મોરબી નાની સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે વધુ એક મંડળીનું ભોપાળુ છતું

મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના નામે કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ દરમિયાન રાજકોટની ટીમે સહકારી મંડળી દ્વારા રૂપિયા ૫૫ લાખનું કૌભાંડ આચરી સરકારી નાણાં હડપ કરી લીધું હોવાનું સામે આવ્યું છે અને આ મામલે ધગધગતો સતાવાર રિપોર્ટ પણ મોરબી નાની સિંચાઈ યોજનાના ઇજનેરને પાઠવી દેવામાં આવતા નવા જુનીના એંધાણ મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત અંદાજે ૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને આ નાણાંમાંથી મોરબી જિલ્લામાં ૩૩૪ તળાવો ઊંડા ઉતારવા રીનોવેશન કરવા સહિતના કામો મંજુર કરવામાં આવ્યા હતા પરંતુ નાની સિંચાઈ યોજનનાના મોરબી જિલ્લાના પૂર્વ ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સી દ્વારા મિલી ભગત આચરી કાગળો ઉપર કામો દર્શાવી સરકારી નાણાં હજમ કરી જતા આ મામલે સામાજિક કાર્યકરથી માંડી સાંસદ સુધીની નેતાગીરીએ આ પ્રશ્ન ઉઠાવતા દોષિત બને કૌભાંડિયા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી અને બને હાલ પોલીસના મહેમાન બન્યા છે.

બીજી તરફ આ મામલે ગાંધીનગરથી તપાસના આદેશો છુટતા જુદી – જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં રાજકોટની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસનો ધગધગતો રિપોર્ટ મોરબી નાની સિંચાઈ યોજનાના ઇજનેરને સોંપતા આ કૌભાંડમાં વધુ કડાકા – ભડાકા થવાના સંકેતો મળી રહ્યા છે.

મોરબી નાની સિંચાઇ યોજના હેઠળ થયેલા કામોમાં હળવદ તાલુકાની કોયબા મજુર મંડળીને સોંપવામાં આવેલ કામમાં મોટા પ્રમાણમાં ગોટાળા હોવાનું બહાર આવ્યું છે જેમાં મંગલપુર, બુટવડા અને જોગડ ગામે કરાયેલ કામોમાં રૂપિયા પંચાવન લાખની ગેરરીતિ આચરી હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે.

દરમિયાન નાની સિંચાઈ યોજનાના મોરબી જિલ્લાના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાય દ્વારા આ તપાસ રિપોર્ટ મામલે ઉચ્ચકક્ષાએ જાણ કરી હોવાનું અને સરકારની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સતાવાર રીતે જણાવ્યું હતું.