ફિલ્મ રિવ્યુ : “ઢ” (ગુજરાતી) : શાળાના સોનેરી દિવસોની સફર

- text


જે ફિલ્મે રિલીઝ થયા પહેલાં જ નેશનલ એવોર્ડ મેળવી લીધો છે, એવી ગુજરાતી ફિલ્મ ‘ઢ’ રિલીઝ થઈ ચુકી છે. નામ પરથી જ જસ્ટિફાય કરી શકાય છે કે, આપણા સૌના બાળપણના શાળા દિવસોની વાત હશે. ફિલ્મમાં એવું તે શું છે, કે દિગ્ગજ કલાકાર નસરુદ્દીન શાહે માત્ર ઇ-મેલથી સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મ કરવાની હા પાડી દીધી? ચાલો, પેપર તપાસીએ…

વાત જાણે એમ છે કે, ગુનગુન, વકીલ અને બજરંગ ત્રણેય પાક્કા મિત્રો છે. ત્રણેય ભણવામાં સાવ ઢ. પરીક્ષામાં છેલ્લેથી પહેલો નંબર આવે એવા. ફિલ્મની શરૂઆત પરીક્ષાખંડથી થાય છે, આ ત્રણેય પેપરમાં ત્રણ કલાક બેસી પણ શકતા નથી, રિપોર્ટ કાર્ડનો ટોટલ પણ બે અંકમાં આવતો નથી. પાસ કેમ થવું એ એમના જીવનની સૌથી મોટી સમસ્યા છે. ત્રણેય એકવાર સ્કુલ બંક કરીને જાદુગરનો શૉ જોવા જાય છે અને જાદુગરને જ પોતાની સમસ્યાનો તારણહાર બનાવવાનું નક્કી કરી લે છે. હિન્દી વિષયના પત્રલેખનના પિરિયડમાં બગાસાં ખાતા આ વિદ્યાર્થીઓ જાદુગરને પત્ર લખે છે. જાદુગર એમને જવાબ આપે છે, કે મદદ કરે છે કે કેમ એ માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.ફિલ્મમાં બાળકલાકાર કહાન, કરણ પટેલ અને કુલદીપ સોઢાએ એકદમ નેચરલ એક્ટિંગ કરી છે. જાદુગરના રોલમાં નસરુદ્દીન શાહ જામે છે. ફિલ્મની શરૂઆતમાં થોડી મિનિટો એ દેખાય છે, પણ એમનો અવાજ ફિલ્મમાં આપણી સાથે રહે છે. ચિરાગ ઉર્ફે ગુનગુનના દાદાજીના રોલમાં અર્ચન ત્રિવેદી સુપર્બ છે. ક્યાંય પ્રયત્નપૂર્વક અભિનય નથી, માત્ર આપણા પડોશીના ઘરે કોઈ ઘટના બનતી હોય એટલી સિમ્પલીનેસથી ફિલ્મ ચાલ્યા કરે છે.

- text

ડાયરેક્ટર મનીષ સૈનીએ બાળપણ અને શાળાના દિવસોને ફિલ્મમાં આબાદ ઝીલ્યાં છે. ટાઇટલ ક્રેડિટ્સમાં ગ્રીન બોર્ડ અને કાર્ટુન્સનું કોમ્બિનેશન ખૂબ ગમ્યું. એજયુકેશન ફિલ્ડ પરની ફિલ્મ હોઇ, કાસ્ટિંગ પણ એ રીતનું અનુરૂપ છે. હિન્દી વિષય ભણાવતાં શિક્ષક ફિલ્મમાં હિન્દી જ બોલે છે. ગણિતના શિક્ષક કડક છે. પ્રિન્સિપાલ ઉંમરવાન છે! બાળપણમાંની આપણી કેટલીક આદતોને પડદા પર જોવાની મજા આવે છે. જેમકે, આંગળીમાં પીળા ભૂંગળા લગાડીને ખાવા, ક્રિકેટ રમતા પહેલા બેટને કપાળે અડાડી બેટિંગ ચાલુ કરવી, પરીક્ષામાં પેપર ઉપર ભગવાનનું નામ લખવું, ગણિતના દાખલા ગોખી નાખવા, આવું તો ઘણું બધું આપણને ફિલ્મમાં ગમી જાય છે. (ફિલ્મમાં એમ.જે.હાઈસ્કૂલ બતાવી છે, પણ બાળકો ધોરણ-5 માં ભણે છે, એ કેવું!) ફિલ્મમાં બહુ હળવાશથી બાળકોનું ટ્રાન્સફોર્મેશન બતાવ્યું છે.ફિલ્મના ત્રણેય બાળકલાકારો અલગ અલગ ફેમીલી બેકડ્રોપમાં ઉછર્યા હોય છે. બજરંગ ત્રણ વર્ષથી ધોરણ – 5 માં જ છે. (ફિલ્મ બનાવનારને માલૂમ થાય કે, રાઇટ ટુ એજ્યુકેશન આવતાં, એવું કશું જ હવે થતું નથી☺) આ ભાઈને આગળ ભણવું હોય તો આ વર્ષે પાસ થવું જ પડે એમ છે. એના પિતા નિરક્ષર છે. કપિલ ઉર્ફે વકીલ પોતાની જ બહેનની સાથે કંપેરિઝનનો ભોગ બને છે. તેના પિતા તેને ખૂબ જ ધમકાવે છે, તો ગુનગુન ઉર્ફે ચિરાગ પર સારું પરિણામ લાવવાનું ફેમીલી પ્રેશર દેખાય છે. ફિલ્મમાં આ ત્રણેય વિદ્યાર્થીઓ ધીમેધીમે પોતાની સિદ્ધિ માટે જાગૃત બને છે. વર્ગખંડ ઉપરાંત પણ મહેનત કરે છે. સાથે બેસીને તૈયારી કરે છે. તેમને પરોક્ષ રીતે કોઈ પ્રેરણા મળે છે. જેને તેઓ જાળવી રાખે છે. પોતાની જાત પર વિશ્વાસ મૂકીને આગળ વધે છે અને સફળ થાય છે.

ફિલ્મમાં કેમેરાવર્ક સારું છે. કેટલાંક દૃશ્યોમાં ક્લોઝઅપ સરસ છે. પરીક્ષાખંડની ઉત્તરવહી હોય કે જાદુગર જોઈને બાળકની આંખમાં દેખાતું અચરજ ખૂબ સરસ દેખાય છે. અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ આસપાસના લોકેશન્સ જોવા ગમે છે. પરીક્ષા દરમિયાન રાત્રે વાંચતી વખતે આપણે જે જે રીતે વાંચ્યું હશે, એ દરેક પોઝિશન્સ કેમેરામાં કેદ થઇ છે. ફિલ્મનું સંગીત ઠીકઠાક છે. એક ઉડાનખટોલું ગીત ગમે એવું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે.

જોવી કે નહીં?
ફિલ્મમાં ક્યાંય ઓવર ડ્રામા કે ઓવર કોમેડી નથી એ ફિલ્મની ખાસિયત કહી શકાય, સ્કુલમાં સાથે ભણતા મિત્રો સાથે જોવી તો ખૂબ ગમશે. બાળકોને પ્રેરણા મળે એવું ફિલ્મમાં ઘણું બધું છે. ગુજરાતી ભાષાની હળવીફૂલ ફેમીલી ફિલ્મ છે. ‘સ્કૂલ’સાથે જોડાયેલાં એ ખાસ જોવી. ફિલ્મ કોઈ મસાલા મૂવી નથી, એ લોકો દૂર રહે.

(ફિલ્મના એક દૃશ્યમાં આપણે લખેલું ધોરણ-5નું પર્યાવરણનું પાઠ્યપુસ્તક ‘સૌની આસપાસ’ જોવાની શું મજા છે, એ આ લખનારને પૂછો.)

રેટિંગ : 6.50/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

- text