અંતે હળવદની બજારો ખુલી : લોકોમાં હાશકારો

- text


શાંતિ સમિતિની બેઠક બાદ મામલો થાળે પડ્યો

હળવદ : હળવદમાં જૂથ અથડામણ મામલે બે દિવસથી અજંપાભરી સ્થિતિ વચ્ચે આજે હિન્દૂ – મુસ્લિમ અગ્રણીઓ અને અધિકારીઓ રાજકીય મહાનુભાવો દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી સમાધાન કારી વલણ અપનાવતા અંતે આજે હળવદની બજારો રાબેતા મુજબ શરૂ કરવા સર્વસંમતિ સધવામાં આવી હતી અને લોકોમાં હાશકારો વ્યાપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં બુધવારની રાત્રીના બજરંગ દળના બે સંયોજક ઉપર જંગરીવાસમાં હીંચકારો હુમલો થતા પરિસ્થિતિ વણસી હતી અને વિહિપ અને બજરંગદળ દ્વારા આ ઘટનાના વિરોધ માં ગઈકાલે હળવદ બંધનું એલાન અપાતા અજંપા ભરી સ્થિતિ વચ્ચે છમકલાં અને આગજનીના બનાવો બન્યા હતા.

દરમિયાન આજે પણ સવારથી હળવદમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિમાં મુખ્ય બજારો બંધ રહી હતી તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, ડે.કલેકટર શિવરાજભાઈ ખાચર, સાંસદ દેવજીભાઈ ફતેપરા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, હળવદ અને ટંકારાના ધારાસભ્ય તેમજ હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

- text

વધુમાં શાંતિ સમિતિની બેઠકમાં હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા હળવદમાં શાંતિ સ્થપાય તે માટે દોષીતો સામે પગલા ભરી નિર્દોષોને મુક્ત કરવા પર સહમતી સધાતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો જેને પગલે બન્ને સમાજ દ્વારા હળવદની તમામ બજારો રાબેતા મુજબ ખોલવા નક્કી કરવામાં આવતા હળવદના લોકોમાં પણ રાહતની લાગણી પ્રસરી હતી.

- text