ફિલ્મ રિવ્યુ : મનમર્ઝીયાં (હિન્દી) : મન મોહ લિયા!!

- text


પોતાની હટકે ફિલ્મો માટે જાણીતાં ડાયરેક્ટર અનુરાગ કશ્યપે લવ ટ્રાયેન્ગલ મુવી બનાવી છે, જેનું નામ છે, મનમર્ઝીયાં ! થોડાં સમય પહેલાં આ શબ્દોવાળું સોન્ગ પણ લુટેરાં ફિલ્મમાં આવેલું હતું. અનુરાગે બૉલીવુડના સૌથી લોકપ્રિય વિષય પર ફિલ્મ બનાવી છે, એ સામાન્ય ફિલ્મો જેવી જ બની છે કે, ઑફબીટ છે ? આવો, જોઈએ….

ફિલ્મમાં વાત છે, પ્રેમની, સોરી પ્યારની, અરે સોરી, ‘ફ્યાર’ની! જી, આ નવો શબ્દ નથી, અર્થપૂર્ણ ક્રિયાનું રૂપક છે! (ફિલ્મ જોશો એટલે સમજાઈ જશે!) એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે, રુમી બગા (તાપસી પન્નુ) અને વિકી સંધુ (વિકી કૌશલ). બંને એવા તો એકબીજાને ચાહે છે કે, વિકી છતોની છતો ટપીને રુમીને મળવા તેના ઘરે આવે છે. વિકી પોતે ડી.જે.સેન્ડ્સથી પોતાને ઓળખાવે છે, બાદશાહ અને યોયોનો ફેન છે, થોડું ઘણું કમાઈ પણ લ્યે છે. તે જવાબદારી માટે જરાય તૈયાર નથી, રુમી સાથે લગ્ન કરવામાં રીતસર ગભરાય છે. રુમીના કહેવાથી બંને ભાગી જાય છે, પણ ભવિષ્યનો વિચાર કર્યા વગર જ નીકળ્યા હોવાથી, ડરીને ઘરે પાછા આવે છે.

આવામાં એન્ટરી થાય છે, રોબી(અભિષેક બચ્ચન)ની. તે ફોરેનમાં બેન્કર છે, ભારત લગ્ન કરવા માટે આવ્યો છે. મેરેજ બ્યુરોમાં રુમીનો ફોટો જોઈને જ પહેલી નજરનો પ્રેમ કરી બેસે છે! રુમી અને વિકી વિશે આખા અમૃતસરને ખબર હોય છે, તેને પણ ખબર પડે છે, પણ પોતે રુમીને ખૂબ ચાહતો હોવાથી નસીબ અજમાવે છે. વિકીનું બેજવાબદારીપણું રુમીને રોબી તરફ લઇ જાય છે. રોબી અને રુમીના લગ્નના જ દિવસે વિકી તેને ભગાડી જાવાનો પ્લાન બનાવે છે, પણ આવતો નથી! રોબી સાથે લગ્ન કરી રુમી સેટ થાય છે કે કેમ ? કે પાછી વિકીને મળી જાય છે ? અથવા તો ત્રણેય અલગ જ પડી જાય છે? – એ તો ફિલ્મમાં જોવું પડશે…. (આટલું વાંચીને બીજી કઇકઇ ફિલ્મો યાદ આવી ગઈ?)

પરાપૂર્વથી ચાલી આવતું પ્રણયત્રિકોણ વાળું ફ્લેવર અહીં છે પણ અનુરાગની રેસિપી એને વધુ રસદાર બનાવે છે! ફિલ્મની શરૂઆત એક ગીતથી થાય છે! ‘ગ્રે શેડ’ગીતમાં જ ફિલ્મનો સાર આવી જાય છે જાણે! બ્લેક કે વ્હાઇટ નહીં ઇશ્કનો રંગ ગ્રે છે. આ ગીતથી જ આવતી ડિરેક્શનની ખુશ્બૂ સમગ્ર ફિલ્મમાં જળવાઈ રહે છે. ક્રિએટિવિટીનો કિંગ અનુરાગ કશ્યપ અહીં એક નવું જ એલિમેન્ટ લાવે છે. ફિલ્મમાં એકસરખાં કપડાં અને જવેલરી પહેરેલી બે છોકરીઓ ઘણાં ગીતોમાં એકબીજા જેવું જ નાચતી હોય છે. આ બે જોડિયા બહેનો (પ્રિયંકા અને પૂનમ શાહ) ફિલ્મનાપાત્રોના દિમાગમાં ચાલતા દ્વંદ્વનું પ્રતિક છે! પાત્ર જેવું ફિલ કરે છે, એ આ બંને બહેનોના ડાન્સ જેસ્ચર પરથી આપણને સમજાય જાય! (ઘણાંને ફિલ્મ જોઈને પણ આ ઉપરથી જાય તો નવાઈ નહીં!)

ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ફિલ્મમાં ખૂબ જ ઝીણું કાંત્યું છે. ઍરપોર્ટ પર અભિષેક બચ્ચન આવે છે, શીખ હોવા છતાં તે પાઘડી પહેરતો નથી પણ માતાપિતાને સારું લગાડવા પહેરી લે છે. ગાડીમાં જ્યારે ઈયરફોન લગાવે છે, ત્યારે પાઘડીની નીચેથી લગાડવાનું ભૂલી જાય છે. ડાયરેકટ કાન લગાવવાનો પ્રયત્ન કરે છે… આ લગભગ થોડી સેકન્ડનો જ સીન છે, છતાં આવું ક્લોઝ ડિટેલિંગ કર્યું છે. તો એક સીનમાં શોલે અને DDLJ તથા કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મને પણ કોમિક વેમાં યાદ કરી છે!

- text

વિકી કૌશલે અદ્ભૂત અભિનય કર્યો છે, હેરસ્ટાઈલથી માંડી ડાન્સ સ્ટેપ, આંખોથી માંડી હેડફોન દરેકમાં ડી.જે. સેન્ડ્સ પરફેકટ લાગે છે. રુમી સાથે થતા ઝઘડાને પણ કુનેહથી પ્રેમમાં ફેરવવાનો કસબ તેને હસ્તગત છે. રુમી એક અલ્લડ છોકરી છે, પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડાઈ જવા છતાં તેના દાદાજીને કહે છે, “તો ક્યા હૈ?” તેણી હોકી પ્લેયર છે, માતા પિતા ન હોવાથી કાકા-કાકીએ ઉછેરી છે. જીભ બહુજ ધારદાર છે, હોય એવું કહેવામાં જરાય શરમાતી નથી! ‘જો લોગ શર્માતે હૈ, વો હી સુસાઇડ કરતે હૈ.’ એ તેનો જીવનમંત્ર છે! તેણી સિગારેટ-દારૂ પીવે છે, બુલેટ ચલાવે છે, મનમાં જે આવે તે કરવાના બધા જ પ્રયત્ન કરે છે. અભિષેક બચ્ચન કેટલો સારો એકટર છે, એ આ ફિલ્મમાં તેણે સાબિત કર્યું છે. ફિલ્મમાં તે સૈફ પાલનપુરીની પંક્તિ ‘આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી’ જેવું જીવે છે. પોતાની પત્નિના ભૂતકાળ વિશે બધુ જાણતો હોવા છતાં, તેની સાથે ન જાણતા હોવાનો ડોળ કરે છે. તેને પૂરેપૂરું માન આપે છે, ખૂબ જ ધીરજથી કામ લે છે. અભિષેક બચ્ચને ફિલ્મ ‘ગુરુ’ પછીનો આ શ્રેષ્ઠ રોલ ભજવ્યો છે.

મનમર્ઝીયાં ફિલ્મ પંજાબી બનતા બનતા રહી ગઈ હોય એવું લાગ્યા કરે છે. ફિલ્મમાં પંજાબનું કલ્ચર અને ત્યાંની વાનગીઓના ક્લોઝ અપ આબાદ ઝીલ્યા છે. પાણીપુરી, લસ્સી, ચાય, આચાર, નાન, સમોસા, વગેરે ડિસ્કવરીનો ફૂડ શોમાં દેખાય એવા લાગે છે. ફિલ્મમાં સિનેમેટોગ્રાફર સિલ્વેસ્ટર ફોન્સેકાએ પોતાના કચકડે ઇન્ડિયન ફૂડને અંજલિ આપી ન હોય જાણે! કનિકા ધીલ્લોનએ ડાયલોગ્સ અને સ્ક્રિપ્ટ પર જબરદસ્ત કાગળકામ કર્યાનું આંખે વળગે છે.

ફિલ્મનું મ્યુઝિક ખૂબ જ માદક છે! 13 જેટલાં ગીત છે પણ દરેક સિચ્યુએશનલ છે! જેટલાં સરસ લખાયાં છે એથી વધુ સરસ રચાયા છે અને એથીય વધુ સરસ ગવાયા અને ફિલ્માવાયા છે. અમિત ત્રિવેદીએ પોતાનો ‘મિડાસ ટચ’ આપી ગોલ્ડન મ્યુઝિક ફિલ્મની શ્રેણીમાં આ ફિલ્મને મૂકી છે.
‘સાડી સચ્ચી મહોબ્બત કચ્ચી રહ ગઈ’, ‘હલ્લા’ અને ‘દરિયા’ સોંગ્સ તો શેલ્લીએ એટલા જબરદસ્ત લખ્યાં છે, કે રિંગટોન અને કોલરટ્યુનમાં એ જ સાંભળવા મળે છે. ફિલ્મમાં વચ્ચે વચ્ચે આવતું ગીતનું ફ્યુઝન ફિલ્મને આપણી અંદર પણ ઉગાડે છે!

ફિલ્મની શરૂઆતમાં જ પ્રખ્યાત સાહિત્યકાર અમૃતા પ્રીતમને ક્રેડિટ્સ આપવામાં આવેલી છે. ઈન્ટરવલ સુધી એ અચરજ રહ્યું, પણ ઇન્ટરવલની બરોબર પહેલા ‘મૈં તેનું ફિર મિલાંગી, કિથે? કિસ તરાહ પતા નહીં?’ આવ્યું એ આંખને ભીંજવી ગયું ! આ ફિલ્મ અનુરાગના જ મુવી ‘દેવ ડી’નું ફિમેલ વર્ઝન હોય એવુંય ક્યાંક થયાં કરે છે. ફિલ્મનું ટાઇટલ મનમર્ઝીયાં પણ ઘણું સિમ્બોલિક છે, પાત્રોની કેફિયત રજુ કરે છે, તો પોસ્ટરમાં ટાઇટલ ‘મનમર્ઝીયાં’ પિંક-યેલ્લો ફોન્ટ કલરમાં લખ્યું છે, એ પણ રુમીની જિંદગી પહેલાં ગુલાબી હતી,જે ધીરેધીરે પીળી પડવા માંડી એવું આપણને કહી જાય છે!

ફિલ્મનો એક જ નેગેટિવ પોઇન્ટ છે, પ્રેડીકટેબલ કલાઈમેક્સ! તેમ છતાં ફિલ્મના અંતમાં તમે બહાર નીકળો એટલે એક ‘મીઠી’ ઉદાસી તો ઘેરી વળવાની જ!

જોવી કે નહીં?
અનુરાગના અનુરાગી ન હશો તો બની જશો, અનુરાગની સિગ્નેચર ફિલ્મ નથી, પણ કોમન સ્ટોરીનું પ્રેઝન્ટેશન કેવું ઑફબીટ રીતે થઈ શકે એ જોવું ગમે છે. ફિલ્મના મ્યુઝિકના પ્રેમમાં પડ્યા વિના નહીં જ રહો. અભિષેક, વિકી અને તાપસીની દાદુ એક્ટિંગ જોવા જવાય જ.

રિવ્યુ આટલો મોડો કેમ આપ્યો એમ પૂછતાં નહીં, મુવીનું ટાઇટલ શું છે? -‘મનમર્ઝીયાં’

(જરૂરથી લાઈક & શેર કરો)

રેટિંગ : 8.00/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

- text