માત્ર રૂપિયા ૫૦૦ માં નદીની સફાઈ ! ગણિત વિજ્ઞાન મેળામાં ૧૨૫ અવનવા પ્રોજેકટ રજૂ કરતા વિદ્યાર્થીઓ

મોરબી ખાતે શરૂ થયેલા ગણિત – વિજ્ઞાન મેળામાં બાળકોએ મોટેરાઓને વિચારતા કરી મૂકે તેવા પ્રોજેકટ રજૂ કર્યા

મોરબી : આજથી મોરબીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો – ૨૦૧૮ શરૂ થયો છે જેમાં શાળાના બાળકોએ ગંગા સહિતની નદીઓ પાછળ ૭૦૦ કરોડનું આંધણ કરનાર સરકારને ફકત રૂપિયા ૫૦૦ ના ખર્ચે નદી ચોખ્ખી ચણાખ થઈ શકે તેવો પ્રોજેકટ રજૂ કરી નદીના કચરામાંથી ખાતર બનાવી આવક રળી શકાય તેવો આઈડિયા અપાયો હતો.

મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર હાઈસ્કૂલ ખાતે આજથી શરૂ થયેલા ગણિત – વિજ્ઞાન પ્રદર્શન મેળામાં કુલ ૧૨૫ થી વધુ પ્રોજેકટ બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા જેમાં, મોટાભાગની કૃતિઓ પાઠ્ય પુસ્તકમાં આવતા ગણિત અને વિજ્ઞાનના અભ્યાસકર્મને પ્રેક્ટિકલી રજૂ કરાતા બાળકોનો અભ્યાસ સરળ બનાવવાનું ઉદાહરણ આપ્યું હતું.

જિલ્લા કલેકટર માંકડીયાના હસ્તે ખુલ્લા મુકાયેલ આ ગણિત – વિજ્ઞાન મેળામાં બે પ્રોજેકટ વિશેષ ધ્યાનાકર્ષક રહ્યા હતા જેમાં એક પવનચકી પ્રોજેકટ થકી ચકડોળ, દરણું દરવાની ચકી અને અન્ય મલ્ટીપલ ઉપયોગના ઉદાહરણ રજૂ કરાયા હતા.

જ્યારે નદી શુદ્ધિકરણ માટેનો પ્રોજેકટ તો સૌનું મન મોહી લે તેવો હતો કારણ કે આજે મોદી સરકાર ૭૦૦ કરોડના ખર્ચે ગંગા નદીની સફાઈ પાછળ ખર્ચી રહી છે છતાં પરિણામ નથી મળતું ત્યારે બાળકોએ ફક્ત ૫૦૦ રૂપિયાના ખર્ચમાં નદીની સફાઈની સાથે તેમાંથી નીકળતા કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરી નાણાં કમાવાનો કીમિયો રજૂ કર્યો હતો.

આ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં મોરબી શહેર જિલ્લાના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રદર્શની નિહાળી અચંબિત બન્યા હતા.