ફિલ્મ રિવ્યુ : પલટન (હિન્દી) : સિક્કિમની હકીકત બોર્ડરના બીબામાં!

- text


પોતાની વૉર ફિલ્મોને કારણે વૉરડાયરેક્ટર તરીકે જાણીતા બનેલાં જે.પી.દત્તાએ વધુ એક વૉર બેઝડ ફિલ્મ બનાવી છે, પલટન. બોર્ડર અને એલ.ઓ.સી.કારગિલ પછી એમની આ આ ઝોનરાની ત્રીજી ફિલ્મ છે. બોર્ડર જેવી સફળ ફિલ્મ આપ્યા પછી દર્શકોની અપેક્ષા ડાયરેક્ટર પ્રત્યે વધી જ જવાની છે. શું જે.પી.દત્તાની પલટન આ અપેક્ષા પૂરી કરી શકે એમ છે? આવો, જોઈએ.

ભારત અને ચીન વચ્ચે ઇ.સ.1962માં યુદ્ધ થયેલું, આ યુદ્ધમાં ચાઈનાના અઢળક સૈનિકોએ ભારતના સૈનિકો પર ચડાઈ કરેલી. એક મહિનો ચાલેલા એ યુદ્ધમાં ભારતની હાર થઈ. ભારત અને ચીનના સંબંધોમાં ધીમેધીમે ટેન્શન વધવા લાગ્યું અને સિક્કિમ પર પણ ચીનની નજર બગડતા, ભારતે ત્યાં પોતાનું લશ્કર વધાર્યું. ઇ.સ.1967માં નાથુ લા પાસ પાસે ભારત અને ચીન વચ્ચે થયેલાં ઘર્ષણની વાત ફિલ્મ રજુ કરે છે. ભારતીય આર્મીએ કેવી ધીરજ અને બહાદુરીથી ચીનના સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધા, ભારતીય સૈનિકોને ચીનના સૈનિકો કેવો મનોવૈજ્ઞાનિક દબાવ આપી યુદ્ધ માટે ઉકસાવતા અને આંતરરાષ્ટ્રીય સીમા બાબતે બંને પલટન વચ્ચે કેવી નાજુક પરિસ્થિતિઓ ઉભી થતી વગેરેને ફિલ્મમાં રજુ કરાયું છે.

ફિલ્મનું ઓપનીંગ આપણને ઇન્ડો સાઈનો વોર 1962નું ફ્લેશબેક બતાવે છે. સિક્કિમમાં ચાઇનાએ દગો કરીને રાજપુતાના બટાલિયનના હજારો સૈનિકોને મારી નાખ્યા. તે પછી નવી બટાલિયન ત્યાં આવે છે, જેને લીડ કરે કર્નલ રાય સિંગ (અર્જુન રામપાલ). મેજર જનરલ સગત સિંગ (જેકી શ્રોફ) તેમને આ જવાબદારી સોંપે છે. અર્જુન રામપાલની પલટન સીમાસુરક્ષા માટે તૈનાત રહે છે. બોર્ડર પર ફેન્સીંગ લગાવવાનું નક્કી કરે છે અને ઇન્ડિયા-ચાઇનાનું યુદ્ધ થાય છે.

ઇતિહાસમાં જેના વિશે ખૂબ ઓછું લખાયું છે, એવી આ વાત પર દત્તાએ ફિલ્મ બનાવી છે. ફિલ્મ પાછળ મહેનત કરેલી દેખાય છે. એ યુદ્ધમાં લડાઈ કરનાર સૈનિકોની મદદ લઈને તેઓએ લડાખમાં સેટ્સ ઉભા કર્યા હતાં. ભારતીય આર્મીના રીઅલ સૈનિકો પાસે અભિનય પણ તેમણે કરાવ્યો છે. પણ… પણ… પણ… ડાયરેક્ટર પોતાની જ ફિલ્મ બોર્ડરમાંથી બહાર નીકળી શક્યા નથી. આજથી 20 વર્ષ પહેલાં જે રીતે એક સોલ્જરનો ઇમોશનલ પાર્ટ બતાવ્યો હતો એવોને એવો જ પાર્ટ અહીં પણ છે. તેમછતાં બોર્ડરની તુલનાએ આ ફિલ્મ ખૂબ નબળી છે. ફિલ્મમાં પ્લોટ અને કેરેક્ટરને એસ્ટેબ્લીશ કરવામાં ફર્સ્ટ હાફ વેડફાઈ ગયો છે. કેરેક્ટર સાથે આપણે જરાય એટેચ નથી થતાં. જે.પી.દત્તાએ પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, મેં અહીં મસાલેદાર ફિલ્મ નથી બનાવી પણ રીયલ સ્ટોરી કેન્દ્રમાં રાખી છે. જે.પી.સાહેબ પણ આ ફિલ્મ બોર્ડરનું રિનોવેશન માત્ર જ છે.

- text

જે રીતે બોર્ડરમાં જેકી શ્રોફ સવાર પડવાની રાહ જોતો ઈરિટેટ થાય છે એમ અહીં પણ હાઈકમાન્ડની પરમિશન માટે ઇરિટેટ થાય છે. સુનિલ શેટ્ટી જેવો ધરતીને પ્રેમ કરે છે એવો જ મેજર હરભજન સિંગ (હર્ષવર્ધન રાણે) કરે છે. બોર્ડરના સ્ત્રી પાત્રો અને પરિવારો છે એમ અહીં પણ એનું એ જ બેકગ્રાઉન્ડ છે. પલટનમાં કોઈ મોટી હિરોઇન નથી. જે છે એને ભાગે પણ એકાદ બે સીન્સ છે. બધું જ પ્રેડીકટેબલ લાગે છે. ફિલ્મ બોર્ડરમાં સન્ની દેઓલ જેવો પ્રભાવશાળી લીડર અહીં અર્જુન રામપાલ લાગતો નથી, બલ્કે કન્ફ્યુઝનમાં જ હોય એવું લાગ્યા કરે છે. ચાઈનીઝ આર્મીના સૈનિકો ફની લાગે છે. નેપાળ કે એ બાજુના હોય એવું જણાઈ આવે છે. જેપીનું સિગ્નેચર કેમેરાવર્ક મિસિંગ છે. એવું લાગે કે તેમના કોઈ આસિસ્ટન્ટે તેમની ફિલ્મની કોપી મારી આ ફિલ્મ બનાવી છે.

ફિલ્મનું સંગીત આપ્યું છે અનુ મલિકે. ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના. સોનુ નિગમનો અવાજ હોવા છતાં પણ અહીં પલટન અસર જમાવવામાં ક્યાંક ઉણી ઉતરે છે. ફિલ્મના કલાઈમેક્સમાં આવતું ‘મૈં ઝીંદા હું’ ગીત થોડું પ્રભાવશાળી છે. ફિલ્મનો છેલ્લો યુદ્ધ સીન ખૂબ સારો ફિલ્માવાયો છે પણ એ જોવા માટે અઢી કલાકની રાહ જોવી પડે એટલે બોર થાય વિના ન રહી શકાય. એક ટેલિફોન વાળો સીન ઇમોશનથી ભરપૂર છે. કેટલાક સીનમાં બંને દેશોની આર્મી પાડોશીઓ ઝઘડતા હોય એમ ઝઘડે છે. આમ, પલટન ફિલ્મના પડદે નબળી પુરવાર થાય છે.

જોવાય કે નહીં?
જેમને દેશભક્તિની અને યુદ્ધની ફિલ્મો બહુ ગમતી હશે એ તો ખાસ નિરાશ થશે. સિક્કિમની હકીકતની વાતને મોટા પડદે જોવી હોય તો જોવાય. એકદમ ટાઈમપાસ મુવી કહી શકાય. એક વર્ષની અંદર જ ટીવી પર જોવા મળશે એ પાક્કું છે.

ફિલ્મની નોંધનીય બાબત એ છે કે, ફિલ્મનું દરેક કેરેક્ટર રિઅલ છે, ફિલ્મમાં તેઓના નામ પણ રિઅલ છે. એન્ડ ક્રેડિટ્સમાં સિક્કિમના હીરોઝના પોટ્રેઇટ ફોટોઝ જોવાની મજા પડે છે.

રેટિંગ : 5.00/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

- text