મોરબીના જિલ્લાના શિક્ષકો અને 4 શાળાઓનું સન્માન કરાયું

ટાઉનહોલ ખાતે શિક્ષણ દિન નિમિત્તે આયોજિત સમારોહમાં સન્માન પત્ર અપાયા : 5 શિક્ષણ સહાયકોને પુરા પગારનો આદેશ

મોરબી : મોરબીના ટાઉનહોલ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે વિશેષ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવોના હસ્તે ૩ શિક્ષકોને પારિતોષિક સહીત શિક્ષકો અને 4 શાળાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના પારિતોષિક માટે પસંદ થયેલા શિક્ષક અને અન્ય ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને શાળાઓને સન્માનવા માટે શિક્ષક દિન નિમિત્તે ખાસ કર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યમાં મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. જેમાં જિલ્લા કક્ષાનો પારિતોષિક મોરબી તાલુકાની બોરીયાળી પ્રાથમિક શાળાના વસિયાણી વિનોદભાઈ રૂગનાથભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકા કક્ષાનો પારિતોષિક હળવદ તાલુકાની નવા ઘનશ્યામગઢ પ્રા.શાળાના પ્રવીણકુમાર શંકરભાઈ પટેલને તેમજ રણજીતગઢ પ્રા. શાળાના મનસુખભાઇ પ્રેમજીભાઈ કણઝારીયાને એનાયત કરવામાં આવ્યો હતો.

ઇનોવેટિવ ( સાંદિપની) સન્માન પત્રથી મોરબીની વીસી હાઈસ્કૂલના અમિતકુમાર રમેશચંદ્ર તન્ના, બગથળાની હરિ નકલંક વિદ્યાલયના અશોકભાઈ મહાદેવભાઈ કામરીયા, માળીયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણી પ્રા. શાળાના અનિલભાઈ બેચરભાઈ બદ્રકિયા અને ટંકારા તાલુકાના જબલપુર પ્રા. શાળાના પરેશકુમાર ભગવાનજીભાઈ સદાતીયાને સન્માનવામાં આવ્યા હતા. જ્યારે હળવદ તાલુકાની મેરૂપર તાલુકા શાળાના ધનજીભાઈ સુખાભાઈ ચાવડાનું ચિત્રકૂટ સન્માન પત્રથી બહુમાન કરવામાં આવ્યું હતું. મોરબીની ક્રિષ્ના માધ્યમિક શાળા, માળીયા તાલુકાના લક્ષ્મીનગર ગામની સાધના વિદ્યાલય, ઘુંટુની નવસર્જન વિદ્યાલય અને વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની મોહમદી વિદ્યાલયને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારથી સન્માનવામાં આવી હતી. ઉપરાંત પાંચ શિક્ષણ સહાયકો શીતલબેન પ્રભુભાઈ બરાસરા, રજનીકાંત વિનુભાઈ ઝાલોડિયા, નિશાંતભાઈ નાથાભાઇ ડોડીયા, શોભનાબેન ઈશ્વરભાઈ કણઝારીયા અને જયદીપભાઈ સંજીવકુમાર રાઠોડને પુરા પગારના આદેશ કરવામાં આવ્યા છે. જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા તેમજ અતિથિ પદે ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ મોરબી જિલ્લા કલેક્ટર આર,જે,માકડીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .