ફિલ્મ રિવ્યુ : સ્ત્રી (હિન્દી) : ઓ ‘સ્ત્રી’ જરૂર દેખના !!

- text


એક ગામ, એમાં વર્ષના ચોક્કસ ચાર દિવસ પૂજા થાય, આ ચાર દિવસની રાત્રીઓ આ ગામ માટે ભયાનક. આ ચાર દિવસો દરમિયાન એક પણ પુરુષ સલામત નહિ, કારણ કે એક ‘સ્ત્રી’ ભૂત ગામના કોઈપણ પુરુષને આવીને ઉપાડી જાય ! ભયનો માહોલ, પુરુષો રાત્રે ઘરની બહાર પણ ન નીકળે. આ ભૂતની પોતાની એક કહાની…. આમ જુઓ તો આ પ્રકારની વાર્તા કલ્પી શકાય છે. આ સત્યઘટના આધારિત વાર્તા પરથી ફિલ્મ બની છે, “સ્ત્રી”. સ્ત્રી એક હોરર કોમેડી મુવી છે, સત્યધટના પર થોડી આધારિત છે. ફિલ્મમાં કોમેડી અને હોરરનું ફ્યુઝન ખુબ સરસ છે.

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી આ ફિલ્મમાં હ્યુમર, રોમાન્સ, થ્રિલ, હોરર ઘણું બધું છે. રાજકુમાર રાવ દરવખતની જેમ સીધા પાત્રમાં ઘુસી જાય છે. ફિલ્મમાં તે એક દરજીના રોલમાં છે. સ્ત્રીને જોઇને જ માપ લઇ લેતો દરજી છે આ! ૩૧મિનીટમાં ચણિયા-ચોલી સીવી નાખતો વિકી આસપાસના ગામોમાં પ્રખ્યાત છે પણ તેને આ ધમધોકાર ધંધો ગમતો નથી! કૈંક નવું કરવું છે. એવામાં એના જીવનમાં આવે છે એક ‘સ્ત્રી’. તેના ગ્રાહક તરીકે આવતી આ અનામી સ્ત્રી (શ્રદ્ધા કપૂર) રહસ્મય છે. રાજકુમારને તેની સાથે પ્રેમ થાય છે પણ સ્ટોરીમાં આવે છે એક ભૂત…. આ ભૂત કોણ છે અને તેનાથી પીછો કેવી રીતે છૂટે છે એ તો ફિલ્મ જોશો એટલે ખબર પડી જ જશે.

ફિલ્મનું ડાયરેકશન સરસ છે. અમર કૌશિકની ડાયરેક્ટર તરીકે ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક સારા ડાયરેક્ટર મળ્યા એમ કહી શકાય….. ફિલ્મમાં જરૂરિયાત મુજબ દરેક પાત્રની ખીલવ્યું છે. નેરેશનમાં પણ કેમેરાથી ઘણું કહ્યું છે. દરજીનું પાત્ર જેવું હોવું જોઈએ એવું જ ફેશનેબલ છે. તેના કપડાં પરથી ખ્યાલ આવી શકે છે. અરે સીવવાના સંચા પર પણ ‘V-key’ દોરેલું ખુબ સ્ટાઇલિશ છે, તો દુકાનનું નામ પણ મોર્ડન રાખ્યું છે. બોર્ડમાં લખ્યું છે આઝાદ સ્ત્રીઓ કે આઝાદ કપડો કી દુકાન. રાજકુમાર સ્ત્રીઓનું સન્માન કરે છે એવું દર્શાવવા ડાયરેક્ટરે એક સાડી પહેરેલું સ્ટેચ્યુ દુકાનમાં રાખ્યું છે, તો જુના (વપરાયેલ) સંચા મશીન પણ એના ઉપયોગનાં વર્ષ લખીને દુકાનમાં રાખ્યા છે. ભૂત અને તેની વાતોનો પણ ડાયરેક્ટરે હોરર અને કોમેડી બંને સ્વરૂપે ઉપયોગ કર્યો છે. બહુ ઓછા લોકેશન્સનો ઉપયોગ કરીને ફિલ્મ શૂટ થઇ છે.

- text

ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મોટે ભાગે એક સરખા એક્સપ્રેસનમાં જોવા મળે છે. તેના ભાગે ફિલ્મની ડિમાન્ડ મુજબ એવો જ રોલ આવ્યો છે. ફિલ્મમાં ડાયલોગ ડીલીવરીમાં મેદાન માર્યું છે, પંકજ ત્રિપાઠીએ! જોકે એના એક બે વનલાઈનર્સ બાદ કરતા એ સિવાય ફિલ્મના ડાયલોગ ‘સો કોમન’ છે. જયારે જયારે રુદ્રના રોલમાં પંકજ સ્ક્રીન પર રહે છે, સ્ટોરી આગળ પણ વધે છે. ફિલ્મમાં એક લેખકના રોલમાં રહેલા વિજય રાજ સરપ્રાઈઝ છે. (જોકે, એના હાલ જોતા લેખકની અંતિમ જિંદગી કેવી હોય, એ વિશે કટાક્ષ પણ માણવા જેવો છે. લેખક કાયમ ઈમરજન્સીમાં જ રહે, બોલો!!) વિકીના ફ્રેન્ડના રોલમાં રહેલા અપારશક્તિ ખુરાના એકાદ બે સીનમાં ખુબ જામે છે.

ફિલ્મમાં શરૂઆતથી જ એવી ઘણી મોમેન્ટસ છે, જે થ્રિલ ઉભું કરે છે. ભૂતની એક મોડસ ઓપરેન્ડી છે. ભૂત વિશેની કેટલીક મજાક પણ છે. બિહાઈન્ડ ધ શોલ્ડર સીન્સમાં કેમેરાવર્ક સારું છે પણ સોન્ગ્સ દરમિયાન એડીટીંગમાં ખામી દેખાય છે. ફિલ્મમાં ખુબ ઓછા સોન્ગ્સ છે. આસ્થા ગીલે ગાયેલું ‘કમરિયા’તો ઓલરેડી હિટ થઇ રહ્યું છે. બીજા ગીતોનું મ્યુઝીક પણ ઇમ્પ્રેસિવ છે.

ફિલ્મ સ્ત્રી સન્માન અંગે એક સ્ટ્રોંગ મેસેજ પણ આપે છે. સમાજ વ્યવસ્થા અને લોકોની વિચારસરણી સ્ત્રીઓ પ્રત્યે વર્ષોથી પક્ષપાતી છે. સ્ત્રીને દેવી તરીકે પુજતો સમાજ જ રૂપજીવીનીઓને અપમાનિત કરે છે. આવી કેટલીક બાબતો પણ સ્હેજ પ્રકાશમાં આવે છે અને જતી રહે છે. ફિલ્મમાં ભૂતથી બચવા લોકો ઘરની બહાર લાલ શાહીથી લખે છે, ‘ઓ સ્ત્રી, કલ આના’. ભૂત પાછું એ વાંચે પણ છે અને જ્યાં એ ના લખ્યું હોય તે ઘરે જ જાય છે! આમ, ભૂત પણ ભણેલું ગણેલું અને ભોળું છે! (જોકે, જીવિત સ્ત્રીઓ પણ ન સમજાતી હોય ત્યાં સ્ત્રીના ભૂતને તો થોડું સમજી શકાય!!)

જોવાય કે નહીં ?

હોરર મુવીની ખાસ ઓડીયન્સ હોય છે પણ આ ફિલ્મમાં હોરર હોવા છતાં તમામ પ્રકારની ઓડીયન્સને ગમે એવું બધું જ છે. ફિલ્મમાં હાસ્ય અને ડર બેલેન્સ્ડ છે. રાજકુમાર રાવની નેચરલ એક્ટિંગ જોવાનું એક સ્ટ્રોંગ કારણ કહી શકાય. ભૂતની સીરીયલ જોઇને ડર લાગતો હોય એને પણ આ ફિલ્મમાં ડર તો નહિ જ લાગે. ફિલ્મમાં માત્ર ‘આહટ’ જેવી ટીવી સીરીયલ્સ કરતાં ઘણુંબધુ છે.

કોઈ એક સીનમાં ઓડીયન્સમાં કોઈક દાંત કાઢતું હોય તો કોઈક ડરતું હોય આવા પ્રકારની સ્થિતિ ફિલ્મના ડાયરેક્ટરને ફૂલ માર્ક્સ આપે છે. ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચીને ખુદ રાજકુમાર રાવે જ ટાઈટલ આપ્યું હતું… ‘સ્ત્રી’.

રેટિંગ : 7.00/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

 

- text