મોરબીમાં હિન્દૂ-મુસ્લિમ ભાઈ બહેન વચ્ચે ૯ વર્ષથી સ્નેહનો અતૂટ નાતો

- text


મુસ્લિમ યુવતીએ બહેનની ખોટ પુરી, તો સામે હિન્દૂ ભાઈ પણ સગી બહેનથી વિશેષ સાચવીને કપરી પરિસ્થિતિમાં બહેનને મદદરૂપ થાય છે

મોરબી : ઇતિહાસમાં હિન્દૂ અને મુસ્લિમ ભાઈ બહેનોના અતૂટ સંબંધોના અનેક કિસ્સાઓ છે. જેમાં ધર્મને એકબાજુ મૂકીને રાજાઓ કે નવાબો પોતાના ભાઈ તરીકેનો ધર્મ નિભાવતા હતા. આવો જ એક કિસ્સો મોરબીમાં જોવા મળે છે. જેમાં હિન્દૂ મુસ્લિમ ભાઈ બહેન વચ્ચે ૯ વર્ષથી અતૂટ સંબંધ છે. મુસ્લિમ યુવતીએ ક્યારેય બહેનની ખોટ સાલવા દીધી નથી. સામે હિન્દૂભાઈએ ક્યારેય ભાઈ તરીકેની ફરજ નિભાવવામાં પીછેહઠ કરી નથી. બન્ને ભાઈ બહેનના તહેવાર એકબીજાની હાજરી વગર અધુરા જ રહે છે તેવો ઘરોબો ધરાવે છે.

ચિતોડના મહારાણી કર્ણાવતીએ કપરી ક્ષણમાં મુસ્લિમ રાજવી હુમાયુને રાખડી મોકલીને પોતાનું રક્ષણ કરવાનો સંદેશ પાઠવ્યો હતો. તે ક્ષણે જ હુમાયુએ સૈન્ય મોકલીને બહેનનું રક્ષણ કર્યું હતું. આજે વર્ષો પછી પણ ઘણા હિન્દૂ મુસ્લિમ ભાઈ બહેનો વચ્ચે પવિત્ર પ્રેમનો સંબંધ જોવા મળતો હોય છે. આવો જ એક કિસ્સો મોરબીનો છે. મોરબીના ગઢની રાંગ વિસ્તારમાં આવેલા સિપાઈવાસમાં રહેતા ૨૯ વર્ષીય ફરઝાનાબેન કાસમભાઈ ખુરેશી અને નાની બજારમાં આવેલી પારેખ શેરીમાં રહેતા ૨૭ વર્ષીય આશિષભાઈ વિજયભાઈ દવે વચ્ચે ૯ વર્ષ પૂર્વે સગા ભાઈ બહેન જેવો પવિત્ર સંબંધ બંધાયો હતો.

- text

ફરઝાબેન અને આશિષભાઈના માતા કિરણબેન સાથે જ અગાઉ નોકરી કરતા હોવાથી બન્ને પરિવારો વચ્ચે વર્ષોથી આત્મીયતાનો નાતો છે. આ બન્ને ભાઈ બહેનો ઘરની જવાબદારી બાબતે સામ્યતા ધરાવે છે. ફરઝાના બેનના પિતાનું દશ વર્ષ પૂર્વે અવસાન થયું હોવાથી ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેમના શિરે આવી પડી છે. તેઓ એમકોમ સુધી ભણેલા છે. આથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલ મોરબીના વિકાસ વિદ્યાલયના બાળકોને અભ્યાસ કરાવે છે. તેવી જ રીતે આશિષભાઈના પિતાને પેરાલિસિસની બીમારી હોવાથી ઘરની જવાબદારી તેમના શિરે છે. તેઓ મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેક્ટરની કચેરીએ ફરજ બજાવે છે. આ બન્ને ભાઈ બહેનો અગાઉ સાથે મળીને ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ પણ આપતા હતા.

આશિષભાઈને બહેન ન હોવાથી ફરઝાનાબેને તેઓને સગોભાઈ બનાવીને રાખડી બાંધી હતી. ત્યારબાદ ૯ વર્ષથી આ રીતે બન્ને ભાઈબહેન રક્ષાબંધન ઉજવે છે. આશિષભાઈ તેમના બહેનની દરેક ઈચ્છાઓની પૂર્તિ કરે છે. રક્ષાબંધનમાં ફરઝાનાબેનને ભેટ આપવાની સાથે તેઓ કપરી પરિસ્થિતિમાં પણ હમેશા સાથે ઉભા રહીને મદદરૂપ થાય છે. આ બન્ને ભાઈ બહેનો ઇદ, દિવાળી સહિતના દરેક તહેવારો સાથે જ ઉજવે છે.

ફરઝાનાબેનનો પરિવાર કોમી એકતાની મિશાલ સમાન છે. તેમના માતા ફાતિમાબેન અને માસી હલીમાબેન પણ લોહાણાપરામાં રહેતા પ્રવીણભાઈ અને નવીનભાઈને ધર્મના ભાઈ માનીને રાખડી બંધતા હતા. ફરઝાનાબેન પણ આ સંબંધને નિભાવીને તેઓના પુત્રો જયેશ અને નિલેશને રાખડી બાંધે છે.

- text