મોરબી : પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ કરી રીક્ષા ચાલકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી

- text


પોલીસમેને બેફામ ગાળા – ગાળી કરતા જયેશ નકુમ નામના રિક્ષાચાલકે જ વિડીયો બનાવી વાઇરલ કર્યો હોવાનું લેખિત ફરિયાદમાં જણાવાયું

મોરબી : મોરબીના પોલીસમેનની દાદાગીરીનો વીડિયો એક સ્માર્ટ રિક્ષાચાલકે વાઇરલ કરી દીધો છે. આ રિક્ષાચાલકે તેની સાથે થયેલા ઉદ્ધતાઈભર્યા વર્તનનો જાતે જ વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર ફેલાવી દીધો છે. સોશ્યલ મીડિયા પર ચારે બાજુથી આ પોલીસમેન ટીકાઓ થઈ રહી છે તેવા સમયે જ રીક્ષા ચાલકે પોલીસનો ડર રાખ્યા વગર પોતાનું નામ જાહેર કરી મુખ્યમંત્રીને ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબીમાં બે દિવસ પૂર્વે પોલીસ માટે શરમ જનક કહી શકાય તેવી ઘટના ઘટી હતી, પોલીસ પ્રજાની રક્ષા માટે હોય છે. ત્યારે પોલીસનું પ્રજા સાથેનું વર્તન એક મિત્ર જેવું હોવું જોઈએ. પરંતુ અમુક પોલીસ કર્મીઓના ઉદ્ધતાઈ ભર્યા વર્તનના કારણે આખા પોલીસ બેડાની છાપ ખરડાઈ છે. આવા જ એક કિસ્સામાં મોરબીમાં એક સ્માર્ટ રીક્ષા ચાલકે આધુનિક યુગના હથિયાર ગણાતા સોશ્યલ મીડિયા મારફતે એક પોલીસ કર્મીને પ્રજા સમક્ષ ખુલ્લો પાડી પોલીસ દ્વારા નાના ધંધાર્થી સાથે કેવી વર્તન થાય છે તે પ્રજા સમક્ષ મૂક્યું છે.

- text

મોરબીના ટ્રાફિક પોલીસમેને રીક્ષા ચાલક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. ત્યારે આ રિક્ષાચાલકે મૂંગા મોઢે આ પોલીસની ગાળો ખાઈ લીધી હતી. પરંતુ તેને ચતુરાઈ વાપરીને સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. બાદમાં મોબાઈલના કેમેરામાં કેદ થયેલી આ ઘટનાને તેને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી નાખી છે.

હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે ત્યારે આ મામલે અંતે રીક્ષા ચાલક પોલીસમેનની દાદાગીરી મામલે અવાજ ઉઠાવી રાજ્યના મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે, જયેશભાઈ નકુમ રહે. મહેન્દ્રપરાવાળાએ મુખ્યમંત્રીને સનસનીખેજ વિગતો જણાવી છે.

વધુમાં જયેશભાઇ નકુમે ફરિયાદમાં જણાવ્યું હતું કે રિક્ષાચાલક પાસે જો આરસી બુક, લાયસન્સ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ ન હોય, તો પણ પોલીસને આ પ્રકારનું અણછાજતું વર્તન કરવાનો કોઈ અધિકાર નથી, મારી જેમ અન્ય રીક્ષા ચાલકો અને વેપારીઓ પણ પોલીસની દાદાગીરીનો ભોગ બની રહ્યા છે ત્યારે પોલીસ ખરેખર પ્રજાની મિત્ર બને અને ગુન્હેગારો પર કડક બની પગલાં લે તેવું રજૂઆતના અંતે જણાવ્યું હતું.

- text