મોરબી : ટ્રિપલ મર્ડર કેસમાં ૧૨ જેટલા હુમલાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

બોરીયાપાટી વિસ્તારમાં બનેલી ઘટના : વજેપરની જમીનના ડખ્ખામાં મુસ્લિમ પિતા પુત્ર સહિત ત્રણની હત્યા : આરોપીઓ નહિ પકડાઈ ત્યાં સુધી ડેડબોડી સ્વીકરવાનો ઇન્કાર

મોરબી : જર જમીનને જોરૂ ત્રણ કજીયાના છોરૂ ઉક્તિ મુજબ ગઈકાલે મધ્યરાત્રીના મોરબીના લીલાપર રોડ પર બોરીયાવાડી વિસ્તારમાં ૧૨ સતવારા શખ્સોના ટોળાએ મુસ્લિમ પિતા પુત્ર સહિત ત્રણની લોથ ઢાળી દેતા સનસનાટી મચી જવા પામી છે, આ ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને સવાર સુધી ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ બાદ હાલ ૧૨ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને હુમલાખોરો હાથવેંતમાં હોવાના નિર્દેશો વચ્ચે શકમંદોની પોલીસે અટકાયત કરી છે. જયારે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડના કરાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકરવાનો ઇન્કાર કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તારના કાચા રોડ પર મોડી રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ દિલાવરભાઈ પઠાણ, મોમીનખાન દિલાવરખાન અને દિલાવરખાનના ભત્રીજા અફઝલખાન પઠાણની શિવાભાઈ રામજીભાઈ સતાવાર અને તેના પુત્રો સહિતના ૧૨ જેટલા લોકોએ હત્યા નિપજાવી હોવાની ફરિયાદ મૃતક વસીમભાઈ મહેબૂબભાઈ પઠાણ રહે. સિપાઈવાસ, મકરાણીવાસ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી વસીમભાઈના જણાવ્યા મુજબ તેમના મૃતક કાકા વજેપર ગામની સીમમાં વડીલો પાર્જિત સર્વે નમ્બર ૧૦૮૬ વાળી ૩૨ વિઘા જમીન ધરાવે છે અને ત્યાંજ રહે છે, આ જમીન પડાવી લેવા માટે સતવારા શિવાભાઈ રામજીભાઈ તથા તેમના કુટુંબી પડાવી લેવા માંગતા હોય ગતરાત્રીના હુમલો કર્યો હતો એ સમયે તેમના મૃતક કાકા દિલાવરભાઈનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને હુમલો થયાનું જણાતા પોતે આ વિસ્તારમાં જતા ૧૨ સતવારા શખ્સો મૃતક ત્રણેય પર હુમલો કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું અને બાદમાં હુમલાખોર ભાગી ગયા હતા.

જમીનના ડખ્ખામાં ત્રણ ત્રણ લોકોના ભોગ લેવા મામલે નોંધાયેલ ફરિયાદમાં મૃતકના ભત્રીજા વસીમભાઈએ આરોપી તરીકે ભરતભાઇ નારણભાઇ ડાભી, જયંતીભાઈ નારણભાઇ,અશ્વિનભાઈ જીવરાજભાઈ, ભરતભાઇ જીવરાજભાઈ, ધનજીભાઈ મનસુખભાઇ, કાનજીભાઈ મનસુખભાઇ, શિવાભાઈ રામજી, મનસુખભાઈ રામજીભાઈ, જીવરાજભાઈ રામજીભાઈ, પ્રવીણ શિવાભાઈ ડાભી, કિશોર શિવાભાઈ ડાભી તથા સંજય નારણભાઇ ડાભી સહિતના લોકોએ લાકડી, તલવાર, કુહાડી, ટોમી, ધારીયા સહિતના ઘાતક હથિયાર વડે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ ગંભીર બનાવની જાણ થતાં જ ડીવાયએસપી બન્નો જોશી ,એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ ,તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહીલ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંતજ દોડી ગયો હતો અને ત્રણે મૃતદેહ ને સિવીલ હોસ્પીટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ હુમલાની ઘટનામાં વજેપરની કિંમતી જમીનનો જૂનો ડખ્ખો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.

જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુ થી સિવીલ હોસ્પીટલ ખાતે અને ખાનગી હોસ્પીટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને હુમલાખોરો પણ ઇજાગ્રસ્ત બન્યા હોય આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે કેટલાક શકમંદોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જયારે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડના કરાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકરવાનો ઇન્કાર કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હાલ મોરબી સિવિલ હોસ્પિટલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આવ્યો છે.