ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે સિરામિક એક્સપોર્ટને દૈનિક ૩૦ કરોડનું નુકશાન

- text


મોરબીમાંથી દરરોજ ૭૦૦ કન્ટેનર સિરામિક પ્રોડકટ નિકાસ : નિલેશભાઈ જેતપરિયા

એક્સપોર્ટ કનસાઈમેન્ટ ચાલુ રાખવા ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સિરામિક એસોસિએશનની અપીલ

મોરબી : સાત – સાત દિવસથી ચાલતી ટ્રક હડતાળને કારણે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં શટડાઉનના ભણકારા વચ્ચે પરિવહનના અભાવે સિરામિક પ્રોડક્ટની નિકાસ ઠપ્પ થઈ જતા દૈનિક ૩૦ કરોડથી વધુની નુકશાની જઈ રહી હોવાનું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું.

ટ્રક – ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે હાલ મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી છે, રો મટીરીયલની આવક અને તૈયાર પ્રોડકટનો નિકાલ ન થતા ઘરઆંગણે વેચતો માલ બંધ થવાની સાથે સાથે મોરબીમાંથી વિદેશમાં મોકલવામાં આવતા એક્સપોર્ટ ઓર્ડરો અટકી પડ્યા છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે મોરબીમાંથી દૈનિક ૭૦૦ કન્ટેનર સિરામિક પ્રોડકટ વિદેશમાં નિકાસ થાય છે અને અંદાજીત દૈનિક ૩૦ કરોડનો વિદેશ વ્યાપાર થાય છે પરંતુ ટ્રક હડતાળને કારણે કન્ટેનરોનું લોડિંગ બંધ થતાં સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડયો છે.

- text

વધુમાં નિલેશભાઈએ ઉમેર્યું કે એક્સપોર્ટ થતી સિરામિક પ્રોડકટના ઓર્ડર અગાઉ બુક થઈ ગયા હોય, આ જથ્થો મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચાડવો જરૂરી હોય છે કારણ કે વેસેલ બુકીંગ મહિનાઓ અગાઉ થયા હોય સમયસર માલ ન પહોંચતા ઓર્ડર કેન્સલ કરવા પડે તેવી સ્થિતિ ઉદભવી છે, આ ઉપરાંત સમયસર માલ ન પહોંચતા મોરબીના ઉદ્યોગકારો અને વેપારીઓની વિદેશી વ્યાપારમાં છબી ખરડાઈ છે.

આ તકે મોરબી સિરામિક એસોસિએશન તરફથી નિલેશભાઈ જેતપરિયાએ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદેદારોને વિનંતી ભરી અપીલ કરતા જણાવ્યું હતું કે દેશહિતમાં ટ્રક હડતાળમાં એક્સપોર્ટ કન્ટેનરોનું પરિવહન ચાલુ રાખે જેથી કરીને વિદેશમાં ભારતની શાખને નુકશાન ન પહોંચે.

ઉલ્લેખનીય કે હડતાળને કારણે સિરામિક પ્રોડક્ટની નિકાસ બંધ થતાં આ તકનો લાભ ભારતનો કટ્ટર હરીફ દેશ ચાઇના ઉઠાવશે ઉપરાંત એક્સપોર્ટ ઠપ્પ થતા ભારતમાં આવતું વિદેશી હૂંડિયામણ પણ અન્ય દેશોમાં ચાલ્યું જશે.

આ સંજોગોમાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ટ્રાન્સપોર્ટરોની સાથે સાથે ભારત સરકારને પણ જલ્દીથી ટ્રક હડતાળ સમેટાઈ જાય તેવો માર્ગ અખત્યાર કરવા અંતમાં અપીલ કરી છે.

- text