શાળા મર્જ કરવાનો નિર્ણય શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં : શિક્ષક સંઘ

- text


વ્હાલા દવલાની નીતિને કારણે નહિ પરંતુ સૌને વિશ્વાસમાં લઇ શાળા મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે : શૈલેષ સાણજા

મોરબી : મોરબી જિલ્લાની ૩૬ શાળાઓમાં ધોરણ ૬ અને ૭ માં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓના વર્ગ મર્જ કરવાનો નિર્ણય શિક્ષકો અને શાળાના બાળકોના હિતમાં હોવાનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના ઉપપ્રમુખ શૈલેષ સાણજા અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મણિલાલ સરડવાએ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ અને પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મોરબી જિલ્લાની ૩૬ શાળાઓમાં ધોરણ ૬ અને ૭ માં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને નજીકની શાળા સાથે મર્જ કરવાના નિર્ણય અંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ શૈલેષભાઈ સાણજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આવનાર સમયમાં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓ અંગે કડક પગલાં ભરવામાં આવનાર છે ત્યારે અન્ય જિલ્લાઓની જેમ જ સરકારશ્રીના નીતિ નિયમોનું સંપૂર્ણ પણે પાલન કરી શિક્ષકોને વિશ્વાસમાં લીધા બાદ જ શાળાઓને નજીકની શાળામાં મર્જ કરવા નિર્ણય લેવાયો છે.

- text

વધુમાં શાળા મર્જ કરવાનો આ નિર્ણય શિક્ષકો અને વિદ્યાર્થીના હિતમાં હોવાનું જણાવી બન્ને આગેવાનોએ ઉમેર્યું હતું કે શાળા મર્જ થવાથી શિક્ષકોને જિલ્લા બહાર જવું નહિ પડે અને ઓછી સંખ્યામાં શિક્ષકો ફાજલ બનશે આથી શાળા મર્જ કરવાના નિર્ણયમાં વ્હાલા દવલાની નીતિ કે અન્ય કોઈનું અંગત હિત ગોઠવવાનો ખેલ જેવી કોઈ જ બાબત ન હોવાનું ભાર પૂર્વક જણાવાયું છે.

- text