મોરબીમાં ૭૫ સીરામીક પેઢીઓનું લિસ્ટ વાયરલ કરનાર મટિરિયલ્સ સપ્લાયર્સ નીકળ્યો

શાખને નુકશાન પહોંચાડવા માટે સોશ્યલ મીડિયામાં ૭૫ પેઢી સાથે ધંધો ન કરવાનુ સૂચન આપ્યું તું : ઉદ્યોગકારોએ જાતે તપાસ હાથ ધરી શખ્સની ઓળખ મેળવી

મોરબી : મોરબીમાં બદનામ કરવાના ઇરાદે કોઈ શખ્સે ૭૫ સીરામીક પેઢીનું લિસ્ટ વાયરલ કરીને આ પેઢીઓ સાથે ધંધો ન કરવાની સલાહ આપી હતી. ત્યારે પોતાની શાખને નુકશાન પહોંચાડનાર આ શખ્સની ઓળખ મેળવવા ઉદ્યોગકારોએ રીતસરની કવાયત હાથ ધરી હતી. અંતે ઉદ્યોગકારોની મહેનત રંગ લાવતા આ લિસ્ટ બનાવીને વાયરલ કરનાર મટીરિયલ્સ સપ્લાયરની ઓળખ થઈ છે. ત્યારે આ મામલો હજુ સુધી પોલીસ મથકે પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં થોડા દિવસ પહેલાં ૭૫ સિરામિક ફેક્ટરીઓનાં નામ સાથેનું લિસ્ટ વાયરલ થયું હતું. જેમાં તમામ ૭૫ કંપનીઓ સમયસર પૈસા આપતી ન હોવાથી તેમની સાથે ધંધો ન કરવા જણાવ્યું હતું. જો કે આ લિસ્ટમાંની મોટા ભાગની કંપનીઓ સ્ટાન્ડર્ડ છબી ધરાવતી હોવાથી, મોરબી અને સિરામિક ઉદ્યોગમાં હડકંપ મચી ગયો હતો. બીજી બાજુ વર્ષોથી કમાઈને બનાવેલી પ્રતિષ્ઠા આમ ખોટી રીતે ભાંગી પડતાં ઉદ્યોગકારોએ પણ લિસ્ટ બનાવનારા અને વાયરલ કરનારાઓને શોધવા ઝુંબેશ હાથ ધરી હતી.

આ લિસ્ટમાં ખોટી રીતે નામ આવેલી ફેક્ટરીઓનાં માલિક સહિતના ઉદ્યોગકારો ઉદ્યોગને બદનામ કરનારાઓની શોધમાં લાગી ગયા હતા. જેમાં બધાં ઉદ્યોગકારોને ખબર હતી કે આ લિસ્ટ બનાવનારા રો મટીરીયલ્સના સપ્લાયર છે પણ કોણ છે તે સમજાતું ન હતું. તેવામાં એક ઉદ્યોગકારે આ લિસ્ટના ફોટોને ઝૂમ કરતા પાછળના ભાગે કંઈક છુપાયેલું દેખાયું. તે લિસ્ટના ફોટાની ઝૂમ કરીને પ્રિન્ટ કાઢીને પાછળ છપાયેલું નામ જોવા માટે મેગનીફાયર ગ્લાસનોં ઉપયોગ કરતા પાછળના ભાગે એક મટીરીયલ એક્સપોર્ટ કરતી કંપનીનું નામ અને ૪,૯૦,૦૦૦ ની રકમ પ્રિન્ટ થયેલી જોવા મળી હતી.

ઉદ્યોગકારોએ મોરબીમાં આ કંપની પાસેથી મટીરીયલ્સ ઈમ્પોર્ટ કરતા ત્રણ વેપારીઓને શોધી કાઢયા બાદમાં પ્રથમ વેપારી પાસે તપાસ કરતાં તે છેલ્લા દોઢ વર્ષમાં આ કંપની પાસેથી ઇમ્પોર્ટ ન કરતો હોવાનું માલુમ પડયું. બીજા વેપારીએ છેલ્લા એક વર્ષના બિલ બતાવતા તેમાં ૪.૯૦ લાખનો આંકડો ક્યાંય આવતો ન હતો અને ત્યારબાદ ત્રીજા વેપારીને પૂછતાં શરૂઆતમાં તેણે ગલ્લા તલ્લા કર્યા પણ પોલીસની બીક બતાવતા તેણે સ્વીકાર્યું કે આ લિસ્ટ પોતે બનાવ્યું છે.

કૈલાશભાઈ નામના આ વેપારીએ પણ જણાવ્યું કે, પોતે જેમસ્ટોન નામની પેઢી સાથે સંકળાયેલ છે અને પોતે જ આ લિસ્ટ બનાવ્યું છે આ લિસ્ટ તેમણે જેમસ્ટોનના અન્ય પાર્ટનર અને મોરબીના અગ્રણી ઉદ્યોગકારોને આપ્યું હતું અને ત્યાંથી વાઈરલ થયું હતું. પોલીસ આ અંગે ક્યારે કામગીરી કરે તે માન્યતાથી ઉદ્યોગકારોએ પોલીસ કરતા પણ વિશેષ તપાસ કરી ગણતરીના દિવસોમાં જવાબદાર વ્યક્તિને શોધી લીધો છે ઉદ્યોગકારો હવે આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે.