મોરબીનુ ગૌરવ : સાંદીપનિ વિદ્યા ગુરુ એવોર્ડ ૨૦૧૮ માટે જિલ્લાના ત્રણ શિક્ષકોની પસંદગી

તા. ૨૬ જુલાઈના રોજ પોરબંદર મુકામે ત્રણ્ય શિક્ષકોને સાંદિપનીની પાવન ભૂમિમાં સન્માનિત કરાશે

મોરબી : શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકોની કામગીરીને પ્રોત્સાહન આપવા અલગ-અલગ સંસ્થાઓ અને સરકાર દ્વારા વિવિધ એવોર્ડ સમયાંતરે આપવામાં આવે છે. તેમ પોરબંદરની સાંદિપની વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા દર વર્ષે ગુરુપૂર્ણિમાના આગલા દિવસે પ.પૂ. રમેશભાઈ ઓઝાના વરદ હસ્થે શિક્ષકોનું ભાવપૂજન કરી વિદ્યા ગુરુ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં સાંદીપનિ વિદ્યા ગુરુ એવોર્ડ ૨૦૧૮ માટે મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

સાંદીપનિ વિદ્યા ગુરુ એવોર્ડ માટે દર વર્ષે અલગ-અલગ વિષયોની પસંદગી કરવામાં આવે છે. આ પસંદ કરેલ વિષયમાં જે શિક્ષકો ઉમદા કામગીરી કરી રહ્યા હોય તેમને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધેલ ઇનોવેટિવ શિક્ષકોમાંથી બેસ્ટ ઇનોવેશન કરનાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના કુલ ત્રણ શિક્ષકોની પસંદગી થઈ છે. જેમાં મોરબી જિલ્લાના ગૌરવ સમાન પસંદગી પામેલ શિક્ષકોમાં અનિલભાઈ બદ્રકિયા (રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરાર), પરેશભાઈ સદાતીયા (જબલપુર પ્રા. શાળા) અને અમિતભાઈ તન્ના (વી.સી. હાઇસ્કૂલ મોરબી) ને આગામી તારીખ ૨૬ જુલાઈના રોજ પોરબંદર મુકામે સાંદિપનીની પાવન ભૂમિમાં સન્માનિત કરવામાં આવશે.