મોરબીથી સેનેટરીવેર્સ ભરીને વિદેશ જતા કન્ટેનરમાંથી રક્તચંદન ઝડપાયું

- text


૧૦ કરોડનો ચંદનનો જથ્થો દુબઈ, વિયેટનામ મોકલાય તે પૂર્વે ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટે ઝડપી લીધો

મોરબી : મોરબીથી સેનેટરીવેર્સ ભરીને નીકળેલા બે કન્ટેનરમાં સેનેટરીવેર્સની આડમાં પ્રતિબંધિત રક્તચંદન વિદેશ મોકલવાના કારસાનો પર્દાફાર્શ થયો છે. સેનેટરીવેર્સની આડમાં પ્રતિબંધિત રક્તચંદનનો ૧૦ કરોડનો જથ્થો દુબઈ અને વિયેટનામ મોકલાય તે પૂર્વે જ ડીઆરઆઈએ સપાટો બોલાવી મુન્દ્રા બંદરેથી બે કન્ટેનર ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સાનિયો સેનેટરીવેર્સ નામની સીરામીક ફેક્ટરીમાંથી લોડ કરવામાં આવેલા બે કન્ટેનરને મુન્દ્રા બંદરે સ્ટીમરમાં ચડાવવામાં આવે તે પૂર્વે ડીઆરઆઇએ શંકાના આધારે ચકાસણી કરતા આ કન્ટેનરમાંથી અંદાજે રૂપિયા ૧૦ કરોડની કિંમતનું પ્રતિબંધિત ૨૦ મેટ્રિક ટન રક્તચંદનનું લાકડું મળી આવતા ડીઆરઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

- text

ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ રક્તચંદનની દાણચોરીનો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે ડીઆરઆઈની તપાસમાં કોની સંડોવણી ખુલ્લે છે તે જોવું રહ્યું. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ સાનીયો સિરામિકમાં કન્ટેનર લોડ દરમિયાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફેક્ટરીમાંથી કન્ટેનરમાં સેનેટરીવેર્સ જ ભરીને સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે આ કન્ટેનર મોરબીથી નીકળ્યા મુન્દ્રા પોર્ટે પોહ્ચે તે દરમિયાન રસ્તામાં કન્ટેનર માંથી સેનેટરીવેર્સ કાઢીને તેની જગ્યાએ પ્રતિબંધિત ૨૦ મેટ્રિક ટન રક્તચંદનનું લાકડું ભરી દેવામાં આવ્યાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે દાણચોરીથી મોકલવામાં આવેલ આ રક્તચંદન દુબઇ અને વિયેટનામ મોકલવા માટે કારસો ઘડાયો હતો પરંતુ ડીઆરઆઈને ગંધ આવી જતા દાણચોરોનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે અને તપાસ બાદ કડાકા ભડાકા થાય તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text