મોરબી નગર પાલિકામાં સત્તા પરિવર્તન : પાલિકા પ્રમુખ પદે કોંગ્રેસના કેતન વિલપરા

- text


ઉપપ્રમુખ તરીકે એમુણાબેન મોવર : ભાજપ પાસેથી સત્તા છીનવવામાં કોંગ્રેસ સફળ 

મોરબી : મોરબી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવવા છતાં સત્તાથી જોજનો દૂર રહેલ કોંગ્રેસને અંતે અઢી વર્ષ બાદ ફરીથી સત્તા મેળવવામાં સફળતા મળી છે. આજે યોજાયેલ પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓની કુટનીતિ કામ કરી ગઈ છે અને ભાજપ પાસેથી સત્તા છીનવી કેતન વિલપરા નવા પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે એમુણાબેન મોવર ચૂંટાઈ આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકાની વર્ષ ૨૦૧૫માં સામાન્ય ચૂંટણી યોજાયા બાદ અત્યાર સુધી પાલિકાની સ્થિતિ રાજકીય સમરાંગણ જેવી જ રહી છે. ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૫માં યોજાયેલ ચુંટણીમાં પાલિકાની બાવન સીટોમાંથી કોંગ્રેસે ૩૨ સીટો અને ભાજપે ૨૦ સીટો મેળવી હતી. કોંગ્રેસને પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસના અસ્મિતાબેન કોરિંગા પ્રમુખ અને ફારૂકભાઈ મોટલાણી ઉપપ્રમુખ બન્યા હતા. પરંતુ કોંગ્રેસની સત્તા ૬ મહિના સુધી જ ટકી હતી. કોંગ્રેસના ૧૨ સભ્યોએ બળવો કરી વિકાસ સમિતિ બનાવી ભાજપના ટેકાથી પાલિકાની સત્તા મેળવી હતી.

વિકાસ સમિતિના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ અને ઉપપ્રમુખ અરજણભાઈ કંઝારીયા બન્યા હતા. પરંતુ તા.૩૧/૫/૨૦૧૭ના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા વિકાસ સમિતિના શાસનનો અંત આવ્યો હતો. ભાજપે કોંગ્રેસના બળવાખોર સભ્યોને ટેકાથી પાલિકાની સત્તા હસ્તગત કરી હતી. હાલ પાલિકા પ્રમુખ તરીકે ગીતાબેન કંઝારીયા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જારીયા કાર્યરત રહ્યા હતા.

- text

પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના કુટનીતિના તજજ્ઞોએ રાતભર મહેનત કરી ભાજપ પાસેથી સત્તા ખૂંચવી લેવા રણનીતિ ઘડી કાઢી હતી અને પ્રમુખ પદે વોર્ડ નંબર 8ના સભ્ય કેતન અમૃતલાલ વિલપરા અને ઉપપ્રમુખ પદે વોર્ડ નંબર 1ના સભ્ય એમુણાબેન ગફૂરભાઇ મોવરની નિમણુંક કરી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લેવામાં સફળતા મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, પાલિકામાં અગાઉ કોંગ્રેસના ૭ સભ્યોએ બળવો કરીને પક્ષ વિરુદ્ધ પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરતા કોંગ્રેસે આ સાતેય સભ્યો સામે નામોદિષ્ટ અધિકારીને ફરીયાદ કરી હતી. જેથી નામોદિષ્ટ અધિકારીએ સાતેય સભ્યોને સસ્પેન્ડ દીધા હતા. તેથી આ સાતેય સભ્યો હાઇકોર્ટમાં અપીલ માટે ગયા હતા. આ અંગે ડેપ્યુટી કલેક્ટર એસ.જે. ખાચરે કહ્યું કે હાઇકોર્ટે આ સાતેય સભ્યોની અરજી ખારીજ કરી છે. જેથી સાતેય સભ્યો બરતરફ જ રહે છે અને આજની ચૂંટણીમાં તેઓ મતદાન કરી શકયા ન હતા.

આમ સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગર પાલિકામાં કોંગ્રેસ ફરીથી સત્તા મેળવવામાં સફળ રહી છે. આજે પ્રમુખની ચૂંટણી પેહલા કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે કે.પી.ભાગીયા અને ઉપપ્રમુખ તરીકે અશોક કંઝારિયાનું નામ ચર્ચાતું હતું. પરંતુ અંતમાં કોંગ્રેસ તરફથી ફેરફાર કરીને પ્રમુખ પદે કેતન વિલપરા અને ઉપપ્રમુખ પદે એમુણાબેન મોવરના નામ પર ફાઇનલ મોહર લાગી હતી. આજની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જયરાજસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ કોંગ્રેસના સભ્યોએ પક્ષના આદેશ મુજબ એક જુટ થઇ મતદાન કરતા કોંગ્રેસના કેતન વિલપરા પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા.

જયારે મોરબી પાલિકામાં સત્તા મેળવતાની સાથે કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા વગાડી જીતની ખુશી માનવી હતી. તેમેજ કોંગ્રેસે ફરીથી સત્તા મેળવ્યા બાદ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પાલિકામાં કોંગ્રેસ પારદર્શક અને પ્રજાલક્ષી શાસન આપશે તેવી ખાતરી આપી હતી.

 

- text