ધો.૧૦માં બોર્ડ ફર્સ્ટ આવેલી મોરબીની બે વિધાર્થિનીઓનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ

- text


મોરબીના નવયુગ વિદ્યાલયની હેત્વી મોકાસણા અને નાલંદા વિદ્યાલયની ચાંદની ગોધાણીએ 99.99 પીઆર સાથે મોરબીનુ ગૌરવ વધાર્યું

બન્ને વિદ્યાર્થીનીઓ અભ્યાસ સાથે યોગ અને રમત સહિતની પ્રવૃતિઓ માટે પણ સમય ફાળવી તનાવમુક્ત રહેતી : મોરબી શહેરની ગૌરવ સમી બન્ને છાત્રાઓ સાથે ‘મોરબી અપડેટ’ની ખાસ વાતચીત

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયની હેત્વી મોકાસણા અને નાલંદા વિદ્યાલયની ચાંદની ગોધાણીએ કોન્સન્ટ્રેશન, હાર્ડ વર્ક અને કોન્ફિડન્સની મદદથી ધો.૧૦ બોર્ડમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. બન્ને વિદ્યાર્થીનીઓ સાયન્સ પ્રવાહમાં પોતાની કારકિર્દી ઘડીને ડોકટર બનવાનું સ્વપન સેવી રહી છે. મોરબીના ગૌરવ સમી આ બન્ને છાત્રાઓ સાથે ‘મોરબી અપડેટે’ ખાસ વાતચીત કરી અને તેની આ સિદ્ધિ પાછળની મહેનત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

મોરબીની નવયુગ વિદ્યાલયની હેત્વી મોકાસણાના પિતા મનસુખભાઈ મોકાસણા સોરમીક ઉદ્યોગપતિ છે. તેમના માતા- પિતા તરફથી મળેલા પ્રત્સાહન અને તેની મહેનતના કારણે આજે તેને જ્વલંત પરિણામ મેળવ્યું છે. હેત્વી મોકાસણાએ ‘મોરબી અપડેટ’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તે દિવસભર સૂઇને રાતભર વાંચતી હતી. બધા વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે વાંચવાંનું ગમતું હોય છે. તેવી રીતે તેને રાતની શાંતીમાં એકચીત સાથે વાંચવું ગમતું હતું. હેત્વી મોકાસણાએ વધુમાં જણાવ્યું કે તેને અન્ય વિદ્યાર્થીઓની જેમ ટીવી જોવું ગમતું હતું. અભ્યાસની સાથે તે ટીવી અને બેડમિન્ટન જેવી પ્રવૃતિઓ માટે સમય ફાળવતી હતી. તેને કહ્યું કે મનગમતી પ્રવૃત્તિ કરવાથી માઈન્ડ ફ્રેશ થાય છે. અને સ્પોર્ટથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

વધૂમાં હેત્વીએ કહ્યું કે દરેક વિદ્યાર્થીઓએ વાંચન વખતે થોડા થોડા સમયે બ્રેક લઈને મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી મગજ સ્વસ્થ રહે અને વાંચેલું યાદ રહે. હેત્વીએ જણાવ્યું કે તેને સાયન્સ પ્રવાહ પસંદ કરીને બી ગ્રુપ રાખવું છે અને ડોકટર બનવુ છે. હેત્વીએ તેની તૈયારી વિશે જણાવ્યું કે તે દરરોજ સ્કૂલમાં ભણાવેલ અભ્યાસનું ઘરે આવીને રિવિઝન કરતી હતી. ઉપરાંત દર રવિવારે આખા અઠવાડિયાના અભ્યાસનું બીજી વાર રિવિઝન કરતી હતી. આમ કરવાથી તેને પરીક્ષા દરમિયાન વધુ મહેનત કરવાની જરૂર પડી ન હતી. નવયુગ વિદ્યાલયની છાત્રા બોર્ડ પ્રથમ આવતા નવયુગ વિદ્યાલયના સુપ્રીમો પી.ડી.કાંજીયાએ હર્ષની લાગણી વ્યકત કરી હેત્વીને નવયુગની સાથે મોરબીનું ગૌરવ વધારવા બાદલ અભિનંદન પાઠવ્યા હતા.

- text

જયારે નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ચાંદની ગોધાણી સામાન્ય પરિવારમાંથી આવે છે તેના પિતા બાંધકામ કોન્ટ્રાકટર છે. તેઓ ધો.૬ સુધી તથા તેમના પત્ની ધો.૧૦ સુધી ભણેલા છે. દીકરી ભણી ગણીને સમાજમાં ગર્વ ભેર જીવી શકે અને પોતાનું એક આગવું સ્થાન બનાવે તેવું સ્વપન તેમના પિતાએ જોયું છે. જ્યારે આજે આ સ્વપ્ન ધીમે ધીમે સાકાર થવા જઈ રહ્યું છે. ચાંદનીએ ‘મોરબી અપડેટ’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તે અભ્યાસ દરમિયાન ટીવી, વોલીબોલ સહિતની અનેક પ્રવૃતિઓ પણ કરતી જેના વડે તે ફ્રેશ ફિલ કરતી હતી. ઉપરાંત તે દરરોજ સવારે યોગા કરતી જેના કારણે અભ્યાસમાં તેનું કૉન્સ્ટ્રેશન જળવાઈ રહેતું હતું.

વધૂમાં તેને જણાવ્યું કે તેને સાયન્સ પ્રવાહ પસંદ કરી મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડીને ડોકટર બનવું છે.વધુમાં તેને ધો. ૧૨ વિશે કહ્યું કે તેમાં પણ આ જ રીતે મહેનત કરીને સારા માર્કસ લાવવાના પ્રયાસ કરશે અને બોર્ડ કરતા વધુ ધ્યાન નિટમા કેન્દ્રિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધો ૧૦ની પરીક્ષામાં મેથ્સનું પરિણામ કંગાળ આવ્યું છે. ત્યારે ચાંદની ગોધાણીએ મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે. આ વિશે ચાંદનીએ કહ્યું કે તેને મેથ્સ ગમેં છે. મેથ્સ તેનો ફાવતો વિષય હોવાથી તેને મેથ્સમાં ક્યારેય ધ્યાન કેન્દ્રીત કર્યું નથી. તે મેથ્સની બદલે અન્ય વિષયોમાં પૂરતું ધ્યાન આપી તેમાં વધુ માર્કસ લાવવાના પ્રયાસો કરતી હતી. અંતમાં ચાંદનીએ કહ્યું કે કોન્સન્ટ્રેશન, હાર્ડ વર્ક અને કોન્ફિડન્સની મદદથી તે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકી છે. નાલંદા વિદ્યાલયની ચાંદનીની ઝળહળતી સફળતા બદલ નાલંદા વિદ્યાલયના સંચાલક જયેશભાઇએ સ્કૂલના શિક્ષકો અને ચાંદનીના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા.

બન્ને વિદ્યાર્થીનીઓએ ‘મોરબી અપડેટ’ની મુલાકાત લઈને પોતાની આ સફળતાનો શ્રેય માતા- પિતા અને સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો. બન્ને વિદ્યાર્થીનીઓએ બોર્ડના છાત્રોને સંબોધીને કહ્યું હતું કે વાંચનમાં ક્વોન્ટીટી કરતા ક્વોલિટીનું મહત્વ વધુ હોય છે. કેટલું વાંચો છો એના કરતાં કેવું વાંચો છો તે વધુ મહત્વ ધરાવે છે. અંતમાં ‘મોરબી અપડેટ’ પરિવારે બન્ને વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરી શાળા, પરિવાર અને મોરબીનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

 

 

 

- text