ધોરણ 12 સાયન્સમાં એવન ગ્રેડ મેળવનારા મોરબીના 3 તેજસ્વી છાત્રો : જાણો આ છાત્રોની વિશેષ બાબતો

- text


મોરબી : આજે તારીખ 10મેના રોજ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ ૮૩.૬૩ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં સારો દેખાવ કરવામાં સફળ રહ્યા છે. મોરબી જિલ્લામાં કુલ ૨૬૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૩ વિદ્યાર્થીઓને એ- વન ગ્રેડ, ૫૫ વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ, ૨૨૨ વિદ્યાર્થીઓને બી – વન ગ્રેડ, ૩૬૦ વિદ્યાર્થીઓને બી – ટુ ગ્રેડ, ૫૯૧ વિદ્યાર્થીઓને સી- વન અને ૬૮૫ વિદ્યાર્થીઓને સી- ટુ ગ્રેડ મળ્યો છે.

ત્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં એ -વન ગ્રેડ મેળવનાર મોરબીની નિર્મલ વિદ્યાલયના ઉધરેજા નિહાલ અને જસાપરા ધ્રૂમિત તેમજ વિનય સાયન્સ સ્કૂલ (પીપળીયા ચાર રસ્તા)ના છાત્ર રાવ ચિરંજીવીનો મોરબી અપડેટ દ્વારા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ આ તેજસ્વી છાત્રો વિષે અને તેમની સફળતાની વિશેષ બાબતો..

સ્કૂલની સામાન્ય ટેસ્ટ માફક ટેન્શન વગર બોર્ડની પરીક્ષા પરીક્ષા આપી ‘તી : બોર્ડ ફર્સ્ટ નિહાલ ઉધરેજા

નિર્મલ વિદ્યાલયના ઉધરેજા નિહાલે ધો. ૧૨ સાયન્સ પ્રવાહના પરિણામમાં ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઉધરેજા નિહાલે ધો. ૧૨ સાયન્સ પ્રવાહના પરિણામમાં ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. અથાગ મહેનત અને કારકિર્દી પ્રત્યેની ગંભીરતાના કારણે નિહાલે ઉજ્જવળ પરિણામ મેળવી મોરબીનું નામ રોશન કર્યું છે.

ધો. ૧૨ સાયન્સમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરનાર નિહાલ ઉધરેજાએ ‘મોરબી અપડેટ’ સાથેની ખાસ વાતચીતમાં તેની સફળતાનો શ્રેય માતા પિતા અને તેના શિક્ષકોને આપ્યો હતો. નિહાલે જણાવ્યું કે તેના પિતા ડો.જયેશભાઇ ઉધરેજા ટંકારામાં પશુ ડોકટર તરીકે ફરજ બજાવે છે. અભ્યાસ દરમિયાન તે સ્કૂલમાં શીખવવામાં આવેલ અભ્યાસક્રમનું દરરોજ ઘરે પુનરાવર્તન કરતો હતો.

નિહાલે વધુમાં જણાવ્યું કે તેને બોર્ડની પરીક્ષા આપી ત્યારે અન્ય વિદ્યાર્થીઓની જેમ ક્યારેય ચિંતા નથી કરી. સ્કૂલની સામાન્ય ટેસ્ટ હોય તે પ્રકારે જ તૈયારી કરીને ભયમુક્ત રીતે પેપર આપ્યા હતા.તેને ઉમેર્યું કે તે મનને એકચિત રાખીને તમામ અભ્યાસક્રમનું વાંચન કર્યું હતું.

નિહાલે તેની કારકિર્દી વિશે જણાવ્યું કે ધો. ૧૨ સાયન્સ તેને સફળતા પુર્વક ઉત્તીર્ણ કર્યું છે. હવે તેને મેડિકલ લાઈન તરફ વળવાની ઈચ્છા છે. નિહાલ એમબીબીએસ – એમડી તરફ પોતાની કારકિર્દી ઘડવા ઈચ્છે છે.


મોરબી : ૯૯.૯૯ પીઆર સાથે ઉત્તીર્ણ થનાર ચિરંજીવી રાવને સાયન્ટિસ્ટ બનવું છે

નબળી આર્થિક પરિસ્થિતિમાં મોરબીની વિનય સાયન્સ સ્કૂલે ઝવેરી બની ચિરંજીવી જેવા ‘હીરા’ ને પારખી સુવિધા આપતા પરિણામ દિપી ઉઠ્યું

મોરબી : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સાયન્સના પરિણામોમાં મોરબી જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યા છે જેમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા રાજકોટ જિલ્લાના વિરનગર ગામના વતની રાવ ચિરંજીવીએ મોરબીની વિનય સાયન્સ સ્કૂલના સહયોગથી ૯૯.૯૯ પીઆર મેળવી શાળા અને પોતાના પરિવારનું નામ રોશન કરી હોવી સાયન્ટિસ્ટ બનવાની દિશામાં આગળ વધવાનું સ્વપ્ન સેવ્યું છે.

- text

મૂળ રાજકોટ જિલ્લાના વિરનગર ગામે રહેતા અને સામાન્ય બ્રાહ્મણ પરિવારના ચિરંજીવી રાવના પિતા ઘનશ્યામભાઈ શિવાનન્દ મિશન આંખની હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોય ધોરણ ૧૦ સુધી વિરનગરની સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને ધોરણ ૧૦ માં ૮૯ ટકા ગુણ મેળવ્યા, જો કે બાદમાં રાજકોટમાં અભ્યાસ કરવા ઇચ્છતા ચિરંજીવીને રાજકોટની શાળાની મોંઘીદાટ ફી ન પરવડતા તેના પરિચિત શિક્ષકની ભલામણથી ચિરંજીવીએ મોરબીની વિનય સાયન્સ સ્કૂલમાં સુંદર સહયોગ મળ્યો.

ચિરંજીવી કહે છે કે મોરબીની વિનય સાયન્સ સ્કૂલમાં હોસ્ટેલમાં ખૂબ જ સહયોગ મળ્યો અને ઘર જેવું વાતાવરણ તથા ડિફિકલ્ટી લાગ્યે રાત્રે પણ શિક્ષકોએ સહયોગ આપતા પોતાની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનથી સફળ થઈ બોર્ડમાં સ્થાન હાંસલ કરી શક્યો છે.

વધુમાં ચિરંજીવીએ કહ્યું કે તેનો મનપસંદ સબજેક્ટ ફિઝિક્સ છે તેણે નિટની એક્ઝામ આપી છે અને હવે નિટના પરિણામ બાદ તે સાયન્ટિસ્ટ બનવા માંગે છે અને કોઈ રિસર્ચ સેન્ટરમાં કામ કરી પોતાના મનપસંદ ફિલ્ડમાં કામ કરશે.

અંતમાં ચિરંજીવીએ માતા સરસ્વતીબેન અને પિતા ભાનુશંકરભાઈના સહયોગ અને વિનય સાયન્સ સ્કૂલના શિક્ષકો અને ટ્રસ્ટીગણના સહયોગથી સફળ થયો હોવાનું જણાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.


 

સાત ધોરણ પાસ પિતાના પુત્ર ધ્રુમિતએ પણ એ-વેન ગ્રેડ મેળવ્યો

ભૂલવાની આદત છતાં પણ સતત વાંચન અને સ્કૂલ ટેસ્ટને કારણે ૯૯.૯૩ પીઆર મળ્યા : ધ્રુમિતને કોમ્પ્યુટર એન્જીનીયર બનવું છે

મોરબી : ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૯૩ પીઆર લાવનાર મોરબીના ટોપર્સ છાત્ર પૈકી જસાપરા ધ્રુમિતે કોમ્પ્યુટર એન્જીનિયર્સ બનવાની ઈચ્છા વ્યક્ત કરી અન્ય વિદ્યાર્થીઓને સતત મહેનત અને રોજીંદુ કાર્ય રોજ કરી લેવા સૂચન કર્યું હતું.

મોરબીની નિર્મલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા જસાપરા ધ્રુમિતે આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહના પરિણામમાં ૯૯.૯૬ પીઆર મેળવ્યા છે, પોતાની સફળતાનું રહસ્ય જણાવતા ધ્રુમિત કહે છે કે સ્કૂલમાંથી રોજે રોજ અપાતું કાર્ય રોજ પૂર્ણ કરી લેવાની આદત અને છેલ્લી ઘડી સુધી સ્કૂલ દ્વારા લેવાતી ટેસ્ટને કારણે પોતે સફળ થયો છે.

વધુમાં ધ્રુમિતે ઉમેર્યું કે મને ભૂલવાની આદત હોવા છતાં રિવિજન કરવાની આદત કેળવી અને સાથે સાથે રિલેક્સ થવા મોબાઈલમાં ગેમ રમીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરતો હતો.

જો કે ધ્રુમિતના પપ્પા માત્ર સાત ધોરણ જ ભણ્યા છે અને મમ્મી ગ્રેજ્યુએટ છે છતાં પણ માતા પિતાની હૂંફ અને શિક્ષકોની મહેનતના પરિણામે પોતે સફળ થયો હોવાનું જણાવી હવે પોતે કૉમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો હોવાનું જણાવ્યું હતું.

- text