મોરબીમા વૃક્ષ મંડળ દ્વારા ધૂનના માધ્યમથી અપાતો પર્યાવરણ જતનનો મેસેજ

- text


પર્યાવરણ જતન માટે જનજાગૃતિ લાવવાનો વૃક્ષ પ્રેમી મંડળનો નવતર અભિગમ

મોરબી : મોરબીમાં વૃક્ષપ્રેમી મંડળ ધુનની ધાર્મિક પરંપરામાં નવતર પ્રયોગ કરી પ્રકૃતિ અને પર્યાવરણ જતનનો સંદેશ આપતી ધૂનનું આયોજન કર્યું હતું. વૃક્ષપ્રેમી મંડળ ધૂનના ઉમદા માધ્યમથી વિશાળ જનસમુદાયને વૃક્ષ ઉછેર ની મહત્વત્તા અને માનવજીવન માટે પ્રકૃતિ તથા પર્યાવરણ કેટલા ઉપયોગી છે તે અંગેનો સુંદર મેસેજ આપ્યો હતો.

મોરબીના વૃક્ષપ્રેમી મંડળના સદસ્ય નરેન્દ્ર ભાઈ અઘારા ના ઘરે પ્રકૃતિ અને પર્યાવરણનું મહત્વ સમજાવતી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધૂનના માધ્યમથી પર્યાવરણને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા, વૃક્ષ ઉછેર અને પ્રકૃતિને ટકાવી રાખવી તે અંગેનો સુંદર સંદેશ અપાયો હતો. જોકે વૃક્ષ પ્રેમી મંડળ ઘણા સમયથી પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરી રહ્યું છે.

આ અંગે નરેન્દ્રભાઈ અઘારાએ જણાવ્યું હતું કે પર્યાવરણના જતન માટે આજથી ચાર વર્ષ પહેલાં અમે ૮ મિત્રો ભેગા થઈને શહેરના વિવિધ સ્થળોએ વૃક્ષો વાવતા અને તેનુ પાંચ વર્ષ સુધી કાળજીપૂર્વક જતન કરતા હતા. અત્યાર સુધીમાં અમે બે હજાર જેટલા વૃક્ષો વાવીને તેનું જતન કર્યું છે. જેમાં ઔષધિ વૃક્ષો શીશમ, હરડે, બહેડે, આમળા, નાગોડ, રગત, રોયડો, ઉમડા વગેરેનો સમાવેશ થાય છે. અમારા ૮ મિત્રોનું બનેલું વૃક્ષપ્રેમી મંડળ ગ્રુપ હવે ૫૦નું થઈ ગયું છે. સક્રિય રીતે આ ગ્રુપ વૃક્ષ ઉછેર માટે કામ કરી રહ્યું છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે સનાળા ગામે પરિશ્રમ વનમાં ૧૦૨ પ્રકારની ઔષધિઓ વાવી છે.આ વૃક્ષો લીલોછમ છાયડો આપવાની સાથે લોકોના અસાધ્ય રોગો મટાડવા ની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત રવાપર રોડ પર રહેતાં કિરણભાઈના ઘરે પુત્રનો જન્મ થતાં ધૂનનું આયોજન કરાયું હતું . ધૂનના માધ્યમથી લોકોમાં પર્યાવરણ જતન અંગેની જાગૃતિ આવે તે હેતુથી ધુનનું આયોજન કરાયું હતું. ધૂન દરમિયાન ચા પાણી અને નાસ્તામાં પણ પર્યાવરણને હાનિ પહોંચાડતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી.હવેથી બીજા અને ચોથા મંગળવારે ધૂનનું આયોજન થશે અને આગામી દિવસોમાં શાળા કોલેજો મા વૃક્ષ ઉછેરનું માર્ગદર્શન આપવામાં આવશે.

- text