મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહિદ સ્મૃતિ રેલી યોજાઈ

રેલીમાં શાળાના બાળકોએ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પાત્રો ભજવ્યા

મોરબી : મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આજે શહિદ દિન નિમિતે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં વિવિધ શાળાના બાળકો જોડાયા હતા. રેલીએ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને ભારત માતાની જય અને શહીદી અમર રહોના નારા ગુંજાવ્યા હતા.

આજ રોજ શહિદ દિન નિમિત્તે શહેરભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સ્મૃતિ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી ભારત માતાની જય ના નારા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન ભગતસિંહની પ્રતિમાને હાર તોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

શહીદ સ્મૃતિ રેલીમાં બાળકોએ વિવિધ ટેબ્લો બનાવીને રજુ કર્યા હતા. ઉપરાંત બાળકોએ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પાત્રો ભજવ્યા હતા . આ પાત્રો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રેલીમાં મોરબીના રાષ્ટ્ર ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શાહિદ સ્મૃતિ રેલીને સફળ બનાવા માતૃભૂમિ વંદના ટ્રસ્ટના પ્રમુખ મહેશ ભોરણીયા, મનોજ ઓગણજા સહિતના આગેવાનોએ ભારે જેહમત ઉઠાવી હતી.