મોરબીના વિટ્રિફાઇડ યુનિટોનું પ્રોડકશન બંધ કરવાની ગંભીર વિચારણા

- text


સિરામિક એસોસિએશન દ્વારા લોડિંગ, અનલોડિંગ, પ્રોડક્શન અને ડિસ્પેચિંગ બંધ કરવા સર્વે હાથ ધર્યો

ઉત્પાદન ત્રણ ગણું વધી જતાં ભાવ તૂટ્યા : આજે સાંજે ડબલ ચાર્જ ઉત્પાદકોની મિટિંગ

મોરબી : નોટબંધી અને જીએસટી બાદ મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેમ માંગ અને પુરવઠાના નિયમ મુજબ હાલ વિટ્રિફાઇડ ટાઇલ્સના ભાવ તળિયે બેસી જતા સીરામીક એસોસિએશન દ્વારા ઉત્પાદન, ડિસ્પેચિંગ અને લોડિંગ, અનલોડિંગ બંધ કરવા ગંભીર વિચારણા કરી સર્વે શરૂ કરતાં સીરામીક ઉદ્યોગ જગતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

મોરબીમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ બનાવતા મેમ્બરો માટે છેલ્લા ચારેક દિવસથી મોરબી સીરામીક એસોસિએશન દ્વારા મિટિંગ બોલાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે ૧૯/૦૩/૨૦૧૮ ના રોજ એસોસિએશન હોલ ખાતે વિટ્રિફાઇડ એસોસિએશનના મેમ્બરોની જનરલ મિટિંગ મળેલ તેમાં હાજર રહેલ સભ્યોની બહુમતીથી સ્વૈછીક પોતાની કંપની બંધ કરવી તેવો નિર્ણય લેવામાં આવેલ પણ આ માટે તમામ મેમ્બરોના પોતાની કંપનીના લેટર પેડ ઉપર ફોર્મ એસોસિએશનની ઓફિસે મોકલવા જણાવાયું છે.

- text

વધુમાં સામુહિક રીતે વિટ્રિફાઇડ સીરામીક યુનિટ બંધ કરવા તમામ સભ્યોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે અને સભ્યોને મોકલેલ ફોમ ભરી લેટર પેડ ઉપર પ્રિન્ટ કરીને સહી સિક્કા કરીને આગળની મિટિંગ માં સાથે લઈને આપવા વિનંતી કરવામાં આવી છે.

દરમિયાન મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાએ શટ ડાઉન વિશે જણાવ્યું હતું કે હાલમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ યુનિટમાં માંગ ના પ્રમાણમાં ત્રણ ગણું ઉત્પાદન વધી ગયું છે જેની સામે માલનો ભરાવો કાઢવા ઉત્પાદકો નીચા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે, પરિણામે હવે શટ ડાઉન જ વિકલ્પ હોવાનું જણાવી સીરામીક એસોસિએશન ગંભીર પણે ઉત્પાદન બંધ કરવા વિચારી રહ્યું છે, આ ઉપરાંત આજે સાંજે ડબલ ચાર્જ ટાઇલ્સ ઉત્પાદકોની પણ મિટિંગ બોલાવવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

 

- text