મોરબી સિરામિક ઉદ્યોગ હવેથી દર વર્ષે દશેરાથી એક મહિનો વેકેશન પાડશે

વિટ્રિફાઇડ ટાઇલ્સ હવે ફૂટના ભાવે નહિ વેચાય : વોલ ટાઇલ્સની જેમ બોક્સના ભાવ

મોરબી : મોરબી સિરામીક એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ હવેથી દર વર્ષે દિવાળી સમયે એક મહિનાનું વેકેશન પાડશે, દશેરાથી તમામ ટાઇલ્સ ઉત્પાદકો એક મહિના સુધી પ્લાન્ટ બંધ રાખી પોતાના પરિવાર સાથે હરશે ફરશે અને શ્રમિકોને પણ હળવાશની પળો માણવા મોકો આપશે.

આજે મળેલી મોરબી સીરામીક એસોસિએશન ની મિટિંગમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું જાહેર કરી સીરામીક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે મોરબીના વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ અને વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદકો ચાલુ વર્ષેથી કાયમી રીતે દશેરાના દિવસથી પોતાના એકમો એક મહિના માટે બંધ રાખશે.

વધુમાં દિવાળીના આ સમયગાળામાં બજારમાં ઘરાકી ઓછી હોવાની સાથે ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટરો પણ વેકેશન માણવા જતા રહેતા હોય એસોસિએશન દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબીનો સીરામીક ઉદ્યોગ સામાન્ય સંજોગોમાં ૨૪ કલાક ધમધમતો રહે છે અને કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ હોય સિરામિક એકમોમાં ક્યારેય વેકેશન હોતું નથી જેથી વેકેશનનો આ નિર્ણય ઇતિહાસ બની ગયો છે.

દરમિયાન સિરામિક એસોસિએશનની આ બેઠકમાં બીજો મહત્વનો નિર્ણય એ લેવાયો હતો કે હવેથી અન્ય ટાઇલ્સની જેમ જ વિટ્રિફાઇડ ટાઇલ્સ ફૂટના ભાવને બદલે બોક્સના ભાવથી જ વેચાશે, એસોસિએશનના આ નિર્ણયને તમામ વિટ્રિફાઇડ ઉદ્યોગકારોએ હોંશભેર વધાવ્યો હતો.

આમ, સીરામીક એસોસિએશન દ્વારા ૨૩ માર્ચે બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા હોવાનું સિરામિક એસોસિએશન દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.