આપઘાત કરવા જતી યુવતીને બચાવી કન્યાદાન કરતી હળવદ પોલીસ

- text


પરણિત પ્રેમીએ તરછોડ્યા બાદ પરિવારજનોએ પણ યુવતીને તિરસ્કૃત કરતા રેલવે ટ્રેક પર દોટ લગાવી : પોલીસે આપી પરિવાર જેવી હૂંફ

હળવદ : પ્રેમમાં અંધ બનતા આજના યુવાનો અને ખાસ કરીને યુવતીઓની આંખ ઉઘાડનારો કિસ્સો મોરબી જિલ્લાના હળવદમાં બન્યો છે, પ્રેમી માટે ઘર છોડીને ચાલી નીકળેલી યુવતીને પ્રેમી પરણિત હોવાનું જાણવા મળ્યા બાદ પરત પિતા ગૃહ જવા તૈયારી કરી પરંતુ પરિવારજનોએ પણ પુત્રી સાથે સબંધ કાપી નાખતા…. આ યુવતી ન ઘરની ન ઘાટની જેવા ઘાટમાં ફસાઈ ગઈ !! જો કે આ બધા ઘટનાક્રમમાં હળવદ પોલીસે માનવતા મહેકાવી હોમગાર્ડ જવાન સાથે પીડિત યુવતીના લગ્ન કરાવી વિધિ વિધાન મુજબ કન્યાદાન પણ આપતા યુવતીની રોળાઈ ગયેલી જિંદગીમાં ખુશી છવાઈ છે.

સાઉથની ફિલ્મોને પણ ટક્કર મારે તેવી મજબૂર યુવતીના આ કિસ્સામાં હળવદ પોલીસે “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” હોવાની ઉકિતને સાર્થક કરી બતાવ્યું છે.

સમાજની આંખ ઉઘાડનારા આ કિસ્સાની વિગતો જોઈએ તો સાણંદના તાલુકાના ગીતપુરા ગામની રિપલ વાણીયા નામની યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી છૂટી હળવદ તાલુકાના સરંભડા ગામે આવી પહોંચી હતી. પરંતુ આ યુવતીએ જે યુવાન સાથે, સાથે જીવવા મારવાની કસમો ખાઈ જીવન જીવવાના ઉંચા – ઉંચા સ્વપ્ન સરંભડા ગામે પહોંચતા જ ચકનાચૂર થઈ ગયા હતા કારણ કે રિપલનો પ્રેમી પરણિત હોવાનું ખુલ્યું હતું, પ્રણય ત્રિકોનના આ કિસ્સામાં પરણિત પ્રેમી મહેશે તેની પત્ની સાથે રહેવાનું મન બનાવી લીધું અને પોતાના પિતૃગૃહથી તરછોડાયેલી રિપલ આઘાતમાં સરકી જઇ હવે આપઘાત કરી મોત સિવાય કોઈ રસ્તો ન હોવાનું મન બનાવી લીધું.

ફિલ્મી સ્ટાઇલના આ પ્રેમ પ્રકરણમાં ઊંડાણમાં જઈએ તો સાણંદ તાલુકાના હિરાપર ગામના મહેશ રાઠોડ અને રિપલબેન વાણીયા રહે.ગીતપુરા વાળા વચ્ચે પ્રેમ સંબંધ પ્રાંગર્યો હતો અને બન્ને ગત તા.ર૧ના ૧૨ કલાકના અરસામાં ઘર છોડી હળવદ તાલુકાના સરંભડા ગામે આવી પહોંચ્યા હતાં પરંતુ પરણિત મહેશ રાઠોડે ક્ષણિક પ્રેમ બાદ તેની પ્રેમિકા રિપલને તરછોડી દઈ રસ્તે રઝળતી કરી પોતાની પત્ની સાથે રહેવાનું પસંદ કરતા હવે રિપલે આપઘાત કરવા મન બનાવી રેલવે ટ્રેક પર જઈ ચડી આપઘાતની કોશિષ કરી હતી.

- text

જો કે અહીંથી જ આ પ્રેમ કહાનીમાં પોલીસની એન્ટ્રી થાય છે અને હળવદ પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈને સમગ્ર બાબતની જાણ થતાં રિપલને સમજાવી સાંત્વના આપી પોલીસ મથકે લઈ આવ્યા હતા અને અભયમ ૧૮૧ હેલ્પલાઇન ટીમને જાણ કરતા આ યુવતીની મદદરૂપ થવા આવી પહોંચી હતી.

જો કે અભયમ હેલ્પલાઈન દ્વારા રિપલબેનના પિતા છોટુભાઈનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમના પિતાએ સાફ – સાફ શબ્દોમાં જણાવ્યું કે, હવે અમને રિપલથી કોઈપણ લેવા-દેવા નથી, અને અમને આ દિકરી નથી જોઈતી તેમ કહી દેતા રિપલ ઉપર જાણે આભ તુટી પડયું હતું. અને રિપલે રેલવેના પાટે કપાઈ જવું છે તેમ જણાવતા હળવદ પીઆઈ એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વસંતભાઈ વઘેરા તથા મનિષાબેન તથા અન્ય પોલીસ સ્ટાફે રિપલને આત્મહત્યા નહીં કરવા સમજાવી જરૂરી સાંત્વના આપી હિમ્મત પૂરી પાડી હતી.

દરમિયાન હળવદ પોલીસ અને મહિલા હેલ્પલાઇન અભયમ દ્વારા રીપલને નવજીવન પ્રદાન કરવા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જસમતભાઇ છગનલાલ સોલંકી રહે. ઢવાણા ગામ વાળા કુંવારા હોય અને રીપલબેનને આશરાની જરૂરત હોય જેથી રીપલને આ જસમત સાથે લગ્ન કરવા બાબતે પુછતા બંને એકબીજાની રાજીખુશીથી લગ્ન કરવા તૈયાર થયા હતા અને પળવાર મા ગંભીર મામલો ખુશીમાં પરિણમ્યો હતો.

બીજી તરફ એકમેક ની ખુશીથી લગ્ન કરવા સહમત થયેલા રિપલ અને જસમતને આજરોજ હળવદના દશામાંના મંદીરે હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર બંનેના લગ્ન કરાવેલ તેમજ હળવદ નગરપાલિકામાં લગ્નનોંધણી કરાવી હતી અને મજાની વાત તો એ છે કે હળવદ પીઆઇ એમ.આર.સોલંકીએ રિપલના પિતાની ભૂમિકા ભજવી કન્યાદાન આપી રૂપિયા ૫૦૦૦ હજાર ભેટ રૂપે આપ્યા હતા.

આમ એક નિ:સહાય અને લાચાર યુવતીની ગોટાળે ચડેલી જિંદગી હળવદ પોલીસની પ્રેરણાદાયી અને ઉમદા કાર્યપદ્ધતિથી આશીર્વાદમાં પરિણમી છે, સલામ છે…હળવદ પોલીસની ટીમને….

- text