ચરાડવાના મીંઢોળબંધા વરરાજાએ મોરબીના ઝૂલતા પુલ ઉપરથી ઝમ્પલાવ્યું

અમદાવાદ પોલીસમાં લોક રક્ષક દળમાં ફરજ બજાવતાં યુવાનના ૧૧ માર્ચે લગ્ન હતા : આજે જ લગ્ન લખાયા હતાને નદીમાં કૂદકો માર્યો  : પોલીસ, ફાયર સ્ટાફ શોધખોળમાં

મોરબી : કુદરતે આપેલી મહામૂલી જિંદગી ક્યારે કોને ભારે પડી જાય છે તે જાણી શકાતું નથી… આવી જ કંઈક ઘટના આજે મોરબીમાં બની છે, અમદાવાદ પોલીસદળમાં ફરજ બજાવતા અને ચરાડવા ખાતે રહેતા યુવાનના આગામી ૧૧ મી માર્ચે લગ્ન નિર્ધાર્યા હતા પરંતુ મીંઢોળબંધા ભાવિ વરરાજાને જિંદગીનો એવો તો ભાર લાગી આવ્યો કે આજે ઝૂલતા પુલ ઉપરથી ઝંપલાવી જિંદગીની જીવાદોરી ટૂંકાવી નાખી.

જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે મોરબીના ઝૂલતા પુલ પરથી યુવાને ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જો કે આ યુવાનનો મૃતદેહ હજુ સુધી મળી આવ્યો નથી મોરબી પાલિકાના ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસ દ્વારા સતત યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે.

દરમિયાન સુત્રોમાંથી જાણવા મળી રહેલી વિગતો મુજબ ઝૂલતા પુલ પરથી ઝંપલવાનાર યુવાનચરાડવા ગામનો વતની હતો અને અમદાવાદ પોલીસદળમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે.

આ ઘટનાની દુઃખદ બાબત તો એ છે કે આજે જ આ યુવાનના લગ્ન લખાયા હતા અને ૧૧ મી માર્ચે યુવાનના લગ્ન નિર્ધારેલ હતા. સ્થળ પર થી મળેલી સુસાઇડ નોટમા જીંદગીથી કંટાળીને આપઘાત કયાઁનો ઉલ્લેખ જોવા મળ્યો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.