કચ્છના નાના રણ અને ઘુડખર અભ્યારણની મુલાકાત લેતી મોરબી કોલેજની વિદ્યાર્થીનીઓ

વનવિભાગના સહયોગથી પક્ષીઓ અને વિવિધ પ્રાણીઓ નિહાળી અચંબિત બનતી આર.ઓ.પટેલ કોલેજની યુવતીઓ

મોરબી : વધતા જતા શહેરીકરણ વચ્ચે માણસ કુદરતથી જોજનો દૂર જઈ રહ્યો છે ત્યારે મોરબીની આર.ઓ.પટેલ કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ પ્રકૃતિને નજીકથી નિહાળી શકે તે માટે કચ્છના નાના રણ નો પ્રવાસ કરાવ્યો હતો જેમાં વન વિભાગના સહયોગથી માત્ર ટીવી કે બુક્સમાં જોવા મળતા ઘુડખર, શિયાળ, જેવા પ્રાણીઓ અને સુરખાબ, પેણ જેવા યાયાવર પક્ષીઓ નિહાળી વિદ્યાર્થીનીઓની ખુશીનો પાર રહ્યો ન હતો.

આર.ઓ.વુમન્સ કોલેજ મોરબી દ્વારા બીકોમની વિધાર્થિનીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલ પાટડી-બજાણા સ્થિત “ઘુડખર અભ્યારણ્ય” માં કરવામાં આવેલ હતું. જેમાં વનસંરક્ષક દ્રારા વિધાર્થિનીઓને રણની ધરતીનો ઘબકાર “ઘુડખર” પ્રાણી વિષે માહિતીગાર કર્યા.

આ ઉપરાંત વિધાર્થિનીઓએ પક્ષીદર્શનનો પણ પ્રત્યક્ષ લ્હાવો મેળવ્યો હતો, જેમાં ગુજરાતનું રાજ્ય પક્ષી “સુરખાબ (ફલેંમિંગો)” તથા મોટો હંસ, સફેદ-પેણ, રૂપેરી-પેણ, ટિલોર, કુંજ, બાજ જેવાં અલભ્ય પક્ષીઓ જોઇને વિધાર્થિનીઓ ભાવવિભોર થઇ ગઇ હતી.

આ સાથે વિધાર્થિનીઓએ પ્રાણીદર્શનમાં જેવાં કે નીલગાય, ઝરખ, શિયાળ, ચિંકારા, જંગલી બિલાડી વગેરે જેવાં અસંખ્ય પ્રાણીઓ તેમના પ્રાકૃતિક વાતાવરણમાં હરતા ફરતા જોવા મળ્યા હતા.

આ મુલાકાતમાં વન-વિભાગ તરફથી વિધાર્થિનીઓને ખુબ જ સચોટ માહિતી હકારાત્મક અભિગમ દ્રારા પુરી પાડવામાં આવી હતી. આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસને સફળ અને યાદગાર બનાવવા માટે કોલેજ સ્ટાફ તરફથી મયુર હાલપરા અને ચંદ્રેશ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.