મોરબી : આધેડને ઢોર માર મારનાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરો : જિલ્લા ભાજપ

- text


મોરબી : મોરબીમાં ટ્રાફિક નિયમન ના મુદ્દે આધેડ ઉપર પોલીસ કર્મચારીઑએ કરેલા અત્યાચાર ના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.આ મુદ્દે ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ તટસ્થ તપાસની માંગ બાદ મોરબી જીલ્લા ભાજપ અને પાટીદાર આગેવાનો દ્વારા આ મુદ્દે અત્યાચાર કરનાર પોલીસ કર્મી સામે કડક પગલાં લેવા અને તાકીદે તેમને સસ્પેન્ડ કરવાની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું હતું.

મોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે થોડા દિવસ પહેલા ટ્રાફિક નિયામનના મુદે ટ્રાફિક પોલીસ અને બાઇક ચાલક વચ્ચે ઝપાઝપી થઈ હતી.આ ઘટનામાં એક વિડ્યો સોશિયલ મિડિયા માં વાયરલ થયો હતો. તેમાં એક આધેડને ચાર પોલીસ કર્મીઓ મારતા હતા.જો કે આ બનાવમાં આધેડે ઝપાઝપી દરમિયાન પોલીસ કર્મચારી પર પથ્થર માર્યો હતો. આ બનાવમાં ટ્રાફિક પોલીસ અને પટેલ આધેડ એક બીજા પર સામ સામે ફરિયાદ નોંધાવી હતી. જયારે પોલીસના અત્યાચાર નો વિડ્યો વાયરલ થતા લોકોમાં પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યાપી ગયો હતો અને ત્યારે હાલ આ બનાવ રાજકીય રંગ પકડી રહયો છે. જેમાં આજે મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા અને મોરબી જીલ્લા ભાજપ તેમજ પાટીદાર આગેવાનો મોટી સંખ્યામાં પોલીસના અત્યાચારના વિરોધમાં જીલ્લા પોલીસવડાને આવેદન આપ્યું હતું। આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ,જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા એ એસ.પી ને પોલિસ કર્મચારી વિરૂદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. રજુઆત ના પગલે આ સમગ્ર ઘટનાની તપાસ dysp કક્ષા ના અધિકારી પાસે કરાવાની જિલ્લા પોલીસ વડાએ ખાત્રી આપી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના અત્યાચારનો ભોગ બનેલ પટેલ આધેડ ભાજપ ના મહિલા મોરચાના પ્રમુખના જેઠ થાય છે. ત્યારે હવે આ મુદ્દો રાજકીય રંગ પકડે તેવી શકયતા છે.

- text