માળીયાના ખાખરેચી ગામના લોકોએ ખાણખનીજ વિભાગનું કામ કરી ખનીજચોરી અટકાવી

- text


માળીયા : માળીયા મીયાણાના ખાખરેચી ગામે ખનીજચોરી દ્વારા કરાતી બેફામ રેતીચોરીથી ત્રસ્ત ગ્રામજનો આજે ખાણખનીજ વિભાગની ભૂમિકામાં આવી જઈ રેતી ચોરીને જતા ટ્રકોને પકડી ખાણખનીજ વિભાગ અને પોલીસને સોંપ્યા હતા.

જાણવા મળ્યા મુજબ માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામ નજીક બહુ માફિયાઓ બેફામ રેતીચોરી કરી ઓવર લોડિંગ ટ્રક લઈ પસાર થતા હોવાથી હIના રોડ રસ્તા તૂટી ગયા છે જેથી આ રેતી ચોરી બંધ કરાવવા ગ્રામજનોએ અનેકાનેક રજુઆત કરવા છતાં પગલાં ન લેવાતા અંતે આજે ખાખરેચી ગામના લોકોએ સવારે આઠ વાગ્યાથી પાદરમા બેસી રેતી ચોરી કરી નિકળતા વાહનોને રોકી ને પાઠ ભણાવવાનો નિર્ધાર કર્યો હતો.

ગ્રામજનો દ્વારા સવારથી જ રેતી ભરીને આવી રહેલ ડમ્પરને રોકી તપાસ કરતા આ રેતીની કોઈ રોયલ્ટી કે આધાર પુરાવો મળ્યો ન હતો જેથી ખાખરેચી ગ્રામજનોએ તુરંત મોરબી જીલ્લા ખાણખનીજ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી સમગ્ર મામલો જણાવ્યો હતો.

બાદમા ખાણખનીજ વિભાગના અધિકારીઓએ ખાખરેચી ગામે દોડી આવી જીલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ વિડજા અને તાલુકા પંચાયતના સદસ્ય રસીકભાઈ પારેજીયાની સાક્ષીમા પંચરોજકામ કરી રેતીને ખાખરેચી ગામમા જ ઠાલવી અને ટ્રકને માળીયા મીયાણા પોલીસને હવાલે કરી વિધીવત કાર્યવાહી હાથ ધરી હતી.

- text

વધુમા ખાખરેચી ગામના જ રહેવાસી ભરતભાઈ દેગામાએ જણાવ્યુ હતુ કે અહીંથી દરરોજના ૪૦૦ ટ્રક નિકળે છે, આ મામલે માળીયા પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ મોટા માથાઓ અને રાજકારણીઓના દબાણ હેઠળ કડક કાર્યવાહી થતી નથી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પુર્વે માળીયા મિયાણા પીએસઆઈ જે.ડી.ઝાલા એ રેતીચોરો વિરુદ્ધ દિવસ ને રાત્રી એમ બે ટીમો બનાવી કડક પગલા હાથ ધર્યા હતા અને એ ઝુંબેશ દરમિયાન તમામ રેતીચોરો ભુગર્ભ મા ઉતરી ગયા હતા પરંતુ રાજકીય જોરે ફરી રેતીચોરોએ માથું ઊંચક્યું છે ત્યારે હવે ખાખરેચી ગામના લોકો દ્વારા લડી લેવાનો નીર્ધાર કરી રેતીચોરી બંધ કરાવવા નક્કી કર્યું છે.

- text