ટંકારાની જીનિંગ પેઢી કાચી પડયાની વ્યાપક ચર્ચાથી લેણદારોના જીવ પડીકે બંધાયા

- text


બેન્કમાંથી ગજાબારની સીસી ઉપાડવા જતા બેંકે ખાતું સિઝ કર્યું : વચ્ચે ખેડૂતો – વેપારી ફસાયા

ટંકારા : ટંકારામાં જીનિંગ ક્ષેત્રે ટોચની નામના ધરાવતી એક પેઢી રાતો- રાત કાચી પડી છે અને ગજાબારની સીસી ઉપાડવા જતા બેંકે પણ ખાતા સિઝ કરી દેતા સનસનાટી મચી જવા પામી છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારામાં કપાસ જીનિંગ ક્ષેત્રે ટોચની નામના ધરાવતી એક પેઢી નાણાંકીય મુશ્કેલીમાં આવી જતા બેન્કમાંથી સીસી માંગી હતી પરંતુ બેન્ક દ્વારા માલના પ્રમાણમાં ૧૨ કરોડની સીસી મળી શકે તેમ હોવાનું જણાવતા આ પેઢીએ ઉચા ભાવે ખેડૂતો અને વેપારી પાસેથી માલ ભરી લઈ બધાના પેમેન્ટ અટકાવી દઈ બેંકમાં ૨૦ કરોડની સીસી મેળવવા વિધિ કરી હતી પરંતુ બેંકેને શંકા જતા આ પેઢીના ખાતા જ સિઝ કરી દેતા હાલ તુરત તો વેપારીઓ અને ખેડૂતોના નાણાં ફસાઈ ગયા છે.

- text

ઉલ્લેખનીય છે કે ટંકારા જીનિંગ પ્રોસેસિંગ અને ઓઇલ મિલનું હબ ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પેઢીઓની સ્થિતિ પ્રવાહી બની જતા એક બે પાર્ટીઓ ઉપર તો બેંકની તવાઈ પણ ઉતરી છે અને બેંકે આ પેઢીની માલ મિલકત ટાચમાં લઈ લીધી છે.

દરમિયાન કાચી પડેલી આ પેઢીમાં હાલતો લેણદારો કાગડોળે પોતાના નાણાં વસુલ કરવાની આશા લઈ ને બેઠા છે જો કે ખેડૂતો અને વેપારીઓની વાહરે કોઈ રાજકીય નેતા પણ ફરકતા ન હોય લોકોના જીવ પડીકે બંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ટંકારા ની ચર્ચિત આ પેઢીના પ્રાંગણમાં હજુ ૩૦ કરોડ રૂપિયાની કિંમતનો કપાસ-કપાસિયાનો સ્ટોક પડ્યો છે પરંતુ ખેડૂતો- લેણદાર વેપારીના નાણાં મળશે કે કેમ તેની મૂંઝવણ ઉભી છે.

જો કે હાલમાં ખેડૂતો અને વેપારીઓના ફસાયેલા નાણાં છુટા કરવા મથામણ ચાલુ છે અને કેટલાક લોકો ફરિયાદ કરી લડી લેવાના મૂડમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

 

- text