મોરબી અને ટંકારા બેઠક પર બબ્બે દાયકા જૂનું ભાજપ શાસન ધરાશયી : વાંકાનેર કોંગ્રેસ માંડ જીત્યું

- text


મોરબી જિલ્લાની ત્રણે-ત્રણ બેઠકો કોંગ્રેસના હાથમાં

મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે મતગણતરી બાદ અનેક અપસેટ સર્જાયા હતા જેમાં સૌથી મોટો અપસેટ મોરબી જિલ્લામાં સર્જાયો છે અને વર્ષો જુના ભાજપના ગઢના કાંગરા નહિ પરંતુ પાયા કોંગ્રેસે ઉખાડી ફેકયા છે અને ત્રણે ત્રણ બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે.

ભારે ઉત્તેજના ભર્યા માહોલમાં આજે સવારથી મતગણતરી શરૂ થતાં જ મોરબી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જાણે કરફ્યુ લાદી દેવાયો હોય તેવા માહોલમાં લોકો કોણ જીત્યું કોણ હાર્યું તેની જાણકારી મેળવવા ઘરમાં અને ધંધાના સ્થળે વ્યસ્ત બની ટીવી અને સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો.

મોરબી જિલ્લામાં લગલગાટ ૨૫ વર્ષથી ભાજપના કાંતિભાઈ અમૃતિયા જ્યાં ચૂંટાઈ આવતા હતા તે ૬૫ મોરબી માળીયા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ભારે રસાકસીને અંતે 3419 મતે વિજેતા બન્યા હતા, જો કે શરૂઆતમાં બ્રિજેશભાઈ મેરજા ૧૩ હજાર મત સુધીની લીડ મેળવી હતી પરંતુ આખરી રાઉન્ડમાં આ લીડ ઘટીને 3419 મત રહી હતી.

- text

જ્યારે ૧૯૯૦ થી જે બેઠક ભાજપનો અજય ગઢ ગણાય છે અને જ્યાં પાટીદારોનું ભરપૂર વર્ચસ્વ છે તેવી ૬૬ ટંકારા-પડધરી મત વિસ્તારમાં તો ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે આ બેઠક પર ભાજપના રાઘવજીભાઈ ગડારાને ૬૪૦૮૩ મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને ૯૩૬૧૩ મત મળતા કોંગ્રેસે આ બેઠક ઉપર 29770 મતની જંગી જીત મેળવી હતી.

દરમિયાન વાંકાનેર બેઠકની મતગણતરી શરૂ થયા બાદ શરૂઆતથી જ ભારે ઉતાર-ચડાવ વચ્ચે છેલ્લે સુધી રસાકસી જામી હતી અને એક તબકકે ૧૩ હજારની લીડ મેળવનાર કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવીદ પીરઝાદાએ ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીને 1361 જેટલા મતે હરાવી કોંગ્રેસની વર્ષો જૂની બેઠક જાળવી રાખી હતી.

આમ, મોરબીમાં લાંબા સમય બાદ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને પાટીદાર અનામત આંદોલનની અસર અને મોરબી અને ટંકારમાં સ્થાનિક સમસ્યાઓ મોરબી જિલ્લાની બેઠકોના પરિણામો બદલવામાં મુખ્ય પરિબળ સાબિત થઈ હતી.

- text