વર્ષામેડી-ખીરસરા વચ્ચે અકસ્માત મોરબીના ત્રણ યુવાનોના મોત

મોરબી થી કોઠાવારા પીરની જગ્યાએ જતા સમયે બનેલી ઘટના : મૃતક અને ઘાયલ તમામ યુવાનો મોરબીના જોન્સનગરના : મૃતક યુવાનોમાંથી અક્રમખાન પઠાણના આગામી ૧૭ – ૧૮ ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા

 

મોરબી : મોરબીથી ઝીંઝુડા ગામે કોઠાવારા પીરની જગ્યાએ એસેન્ટ કાર લઈને જઈ રહેલા મોરબી જોન્સનગરના યુવાનોને વર્ષામેડી-ખીરસરા વચ્ચે અકસ્માત નડતા આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે મોરબીથી ઝીંઝુડા ગામે આવેલ કોઠાવારાપીરની દરગાહ ખાતે એસેન્ટ કારમાં જઈ રહેલા મોરબીના પાંચ યુવાનોને વર્ષામેડી અને ખીરસરા વચ્ચે ગંભીર અકસ્માત નડયો હતો.

વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ એસેન્ટ કાર પિલર સાથે અથડાઈ હતી અને અકસ્માત એટલો ગંભીર હતો કે બે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હોવાની વિગતો બહાર આવી છે.

દરમિયાન આ અકસ્માતમાં ઘાયલ થયેલા રિયાઝ ઇબ્રાહિમ ઘાંચી ઉ.૧૮ રે.જોન્સનગર અને સીદીક ઉર્ફે ડાડો હુસેનભાઈ ખોડ,ઉ ૨૨ ને સિવિલ હોસ્પિટલ મોરબી ખસેડવામાં આવ્યા હતા અને ભાવેશ નારણભાઇ સરવૈયા ઉ.૨૦ જોન્સનગરને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

દરમિયાન આ અકસ્માતમાં સીદીક હુસેનભાઈ ખોડ, મહેબૂબ હુસેન ભટ્ટી અને અક્રમખાન નસીરખાન પઠાણના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ભાવેશ અને રિયાઝ હાલ સારવાર હેઠળ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી પિલર સાથે અથડાઈ બે ચાર ગોથા ખાઈ ગઈ હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું. અકસ્માતની કરુણતા એ છે કે મૃતક યુવાનોમાંથી અક્રમખાન પઠાણના આગામી ૧૭-૧૮ ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા.