મોરબી એ ડિવિઝન સીટી પીઆઈ ભાજપ તરફી હોવાનો કોંગ્રેસનો આરોપ

- text


પીઆઇની બદલી માટે ચૂંટણી પંચને કોંગ્રેસ ફરિયાદ કરશે : પીઆઈની બદલી ના કરાય તો ઉપવાસ આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી આપી : ધારાસભ્યએ ઉદ્યોગપતિ પર કરેલો હુમલો અને ત્યાર બાદ પોલીસની કાર્યવાહી બંને નિંદનીય

મોરબી : મોરબીમાં શુક્રવારની રાત્રીના ભાજપ અને પાસ સમર્થક ઉદ્યોગપતિ વચ્ચે સર્જાયેલી માથાકૂટ અને ધારાસભ્ય અમૃતિયા સહિતના ભાજપના લોકોએ કરેલા હુમલાના બનાવ અને ત્યાર બાદ મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવમાં એફઆઈઆર નોંધવાની જગ્યાએ માત્ર અરજી લઈ ભાજપ તરફી પોલીસ કાર્યવાહીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.
આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિસદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કાગથરા, પ્રદેશ મહામંત્રી બ્રિજેશ મેરજા, અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા સહિતના કોંગી આગેવાનોએ એક સુરમાં ગઈ કાલે ધારાસભ્ય દ્વારા કરેલા હુમલાની કડક નિંદા કરી છે. તેમેજ આ ઘટનામાં પોલીસે ફરિયાદ લેવાની બદલે માત્ર અરજી લઈને ભાજપ તરફી વલણ અપનાવાનો આરોપ લગાવ્યો હતો. કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એ ડિવિઝન પીઆઈ દ્વારા અનેક બનાવોમાં ભાજપ તરફી વલણ અપનાવ્યું છે. માટે કોંગ્રેસ આગેવાનોએ એ ડિવિઝન પીઆઇની બદલીની માંગ સાથે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. અને સાથે કોંગ્રેસે ચીમકી પણ આપી છે કે જો આ પોલીસ અધિકારીની બદલી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

- text

કોંગ્રેસે સીરામીકમાં જીએસટી ઘટાડાનો શ્રેય હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીને આપ્યો

પત્રકાર પરિષદમાં મોરબી જિલ્લાના કોંગ્રેસ આગેવાનોએ સિરામિકમાં જીએસટી ઘટાડવાનો શ્રેય પાસ આગેવાન હાર્દિક પટેલ અને કોંગ્રેસના રાહુલ ગાંધીને આપ્યો હતો. કોંગી આગેવાન લલિત કગથરાએ જણાવ્યું હતું કે જીએસટી ઘટાડા સહિતના પ્રશ્નો અંગે સીરામીક ઉદ્યોગે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ ભાજપે ક્યારેય તેમની રજૂઆત ને મહત્વ આપ્યું જ નથી. પરંતુ હમણાં ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ જીએસટી નો મુદ્દો ઉઠાવતાં તેમજ 31 ઓક્ટો. હાર્દિક પટેલની સીરામીક ઉદ્યોગકારો સાથેની મુલાકાત અને તેમાં તોતિંગ જીએસટીના મુદ્દે ઉદ્યોગકારોએ કરેલી રજૂઆત અને આ મુદ્દે હાર્દિક પટેલે આવાજ ઉઠાવતા ભાજપની કેન્દ્ર સરકારને ગુજરાતની ચૂંટણી હારવાનો ડર લાગતા જીએસટીમાં ઘટાડો કરવામાંઆવ્યો છે.

- text