જલારામ જયંતિએ મોરબીમાં સાડા આઠ ફૂટનો વિક્રમી રોટલો ધરાવાયો

- text


વિશાળ બાજરાનો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો : શહેરભરમાં રોટલાની શોભાયાત્રા નીકળી

મોરબી : આજે જલારામ જયન્તિના અવસરે મોરબીમાં અનોખો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.રઘુવંશી પરિવાર મોરબી દ્વારા જલારામ બાપાને સાડા આઠ ફૂટનો બાજરાનો રોટલો ધરાવી સમગ્ર શહેરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી.
સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાની ૨૧૮મી જન્મ જયંતિ નિમિતે રઘુવંશી પરિવાર મોરબી દ્વારા સૌ પ્રથમ વખત સાડા આઠ ફૂટનો વિશાળ બાજરાનો રોટલો બનવવામાં આવ્યો હતો.વિશ્વમાં અત્યાર સુધીમાં સાડાસાત ફૂટના રોટલાનો વર્લ્ડ રેકોર્ડ છે પરંતુ મોરબીના ભક્તો દ્વારા સાડા આઠ ફૂટનો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડનો નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે અને આજે સવારે ૯ વાગ્યે આ રોટલો જલારામ બાપાને ધરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ રોટલાની શોભાયાત્રા રૂપે બાપાનો રથ રોટલા સાથે જલારામ મંદિરથી નહેરુ ગેઇટ તરફ રવાના થયો હતો.
શોભાયાત્રા બાદ નહેરુગેટ ચોકમાં બાપાને ધરાવવામાં આવેલ રોટલો,બુંદી,ગાંઠિયા અને શરબતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તથા બપોરે ૧૨.૩૦ કલાકે કેક કટિંગ કરી જલારામ બાપાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ઘનશ્યામભાઈ પુજારા,અશ્વિનભાઈ કારીયા,નીતિનભાઈ પોપટ,મનોજભાઈ પંડિત,જલારામ ધૂન મંડળ,જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ,જલારામ યુવા સંગઠન,રઘુવંશી યુવક મંડળ,રઘુવંશી મહિલા મંડળ,જલારામ જયંતિ ઉત્સવ સમિતિ તથા પોપટ પરિવાર જહેમત ઉઠાવી હતી.

- text