મોરબી-માળીયા બેઠક માટે કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર વિજય સરડવા મેદાને

- text


માજી શિક્ષક સંઘના પ્રમુખ વિજયભાઈએ લોકસેવા માટે શિક્ષકની નોકરી ત્યાગી : પૂર્વે શિક્ષક વિજય સરડવા ને ટીકીટ આપવા શિક્ષક સંઘની માંગ : કોંગ્રેસને વિજય બનાવવા પરિણામ સુધી અન્નનો ત્યાગ કર્યો

મોરબી:રાજ્ય સરકારની શિક્ષક વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવા શિક્ષક તરીકેની નોકરી છોડી કોંગ્રેસ સાથે જોડાયેલા વિજય સરડવાને મોરબી-માળીયા બેઠક પર ટીકીટ આપવા રાજ્યના શિક્ષક સંઘના આગેવાનોએ એઆઈસીસી દિલ્હી અને ગાંધીનગર રજુઆત કરી આખા રાજ્યમાં શિક્ષકના પ્રતિનિધિ તરીકે ટીકીટ આપવા માંગ કરી છે,આજે મોરબી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પણ શિક્ષક સંઘના હોદ્દેદારોએ આ વાતને દોહરાવી હતી.

પ્રવર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે અશિક્ષિત અને છાપેલા કાટલા જેવા વ્યક્તિઓના વર્ચસ્વને કારણે દેશ ભ્રષ્ટાચારની ગર્તામાં ધકેલાય રહ્યો છે ત્યારે હવે આ બદીને દૂર કરવા શિક્ષિત ઉમેદવારો પણ મેદાને આવી રહ્યા છે. મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પણ કંઈક આવું જ બન્યું છે,. કર્મઠ શિક્ષક તરીકે મોભાદાર નોકરી કરતા વિજયભાઈ સરડવાએ સમાજસેવા માટે નોકરી છોડી ૬૫-મોરબી-માળીયા બેઠક ઉપરથી ચૂંટણી લડવા કોંગ્રેસપક્ષમાંથી દાવેદારી કરી છે.
આ અંગે આજે વિજયભાઈ સરડવાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષના ભાજપના શાસન બાદ રાજકારણ અને લોકશાહીની પરિભાષા બદલાઈ ગઈ છે અને લોકો દ્વારા લોકો માટે ચાલતી લોકશાહીને બદલ પાંચ પચીસના હિતમાં સમગ્ર સમાજને હોમી દેવા જેવા નિર્ણયો લેવાતા રહ્યા છે જેમાં સરકારી નોકરિયાતોની કનડગતનો મુદ્દો અહમ છે.
સરકારની કનડગત અને શિક્ષણ સિવાયની જવાબદારીને કારણે શિક્ષક તરીકેની નોકરી છોડી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવાએ વિશાળ પ્રજાહિતમાં રાજકીયક્ષેત્રે ઝંપલાવી લોકોની ખરા અર્થમાં સેવા કરવા અને લોકશાહીના મૂલ્યોનું જતન કરવા દેશના સૌથી જુના કોંગ્રેસપક્ષ સાથે નાતો જોડી આગામી વિધાનસભા ચૂંટણી માટે માળીયા-મોરબી બેઠક માટે ધારાસભ્ય તરીકે ટીકીટ માંગી છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે જન્મેલા અને માળીયા મિયાણાના મોટાબેલા ગામના વતની વિજયભાઈ સરડવાએ બચપણથી જ ગરીબીમાં ઉછરી ઘરની જવાબદારી ઉપાડી લઈ શિક્ષણ મેળવ્યું છે બચપનથી નેતૃત્વના ગુણ ધરાવતા વિજયભાઈએ મોરબી હંટર કોલેજમાં પીટીસીનો અભ્યાસ કર્યો છે અભ્યાસકાળ દરમિયાન એમની નેતૃત્વ શક્તિ અને વાકચતુર્યને કારણે તેઓ જીએસ પદે રહી શહપાઠી વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપવાની સાથે સરડવા કુટુંબમાં નાના હોવા છતાં વડીલની ભૂમિકા ભજવતા રહ્યા.
શિક્ષણકાર્ય સંપન્ન થયા બાદ ગુજરાત સરકારની નીતિઓના કારણે ઉચ્ચ ગુણાંક અને આવડત હોવા છતાં નોકરી ન મળતા હતાશ થયા વગર તેમણે મોરબીની ૐશાંતિ ખાનગી શાળામાં શિક્ષક તરીકે સેવા આપવાનું શરૂ કરી બાકીના સમયમાં વિદ્યાર્થીઓને ખાનગી કોચિંગ આપવાનું શરૂ કરી પોતાના ભાઈઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી.
બાદમાં ૧૯૯૮ માં રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી શરૂ કરતાં વિજયભાઈ સરડવાને તેમના સારા ગુણાંકને કારણે શિક્ષકની નોકરી મળી.શિક્ષક તરીકે નિકરી દરમિયાન પણ સમાજસેવા અને શિક્ષક પરિવારના પ્રશ્નો માટે હંમેશા જાગૃત બનીને લડતા રહ્યા,૨૦૧૦માં રાજકોટ જિલ્લા શિક્ષક સંઘમાં ચૂંટણી લડવા ઉભા રહ્યા અને હાર માલી છતાં સેવાનો ધર્મ ન છોડ્યો અને ૨૦૧૫ માં ફરી શિક્ષક સંઘની ચૂંટણીમાં ઝંપલાવતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રથમ પ્રમુખ તરીકેનું બહુમાન મેળવી ૪૦૦૦ શિક્ષકોના પ્રશ્ને સતત જાગતા રહ્યા.
જો કે સૌ કોઈ ને આશ્ચર્ય પમાડે એવો નિર્ણય લઈ વિજયભાઈ સરડવાએ રાજ્ય સરકારની રીતિ નીતિ થી ત્રસ્ત બની અંતે ૨૦૧૭ બની પેન્શનપાત્ર નોકરીને તિલાંજલિ આપી લોકસેવા માટે રાજકારણમાં ઝંપલાવવા નિર્ણય કર્યો અને ૧૮ વર્ષથી વધુની સરકારી નોકરીને એક જ ઝાટકે છોડી દીધી.
સમાજનું ઘડતર કરવામાં અને આવનારી પેઢીઓ માટે સારા સંસ્કારનું સિંચન કરતા શિક્ષકો સામાન્ય રીતે રાજકારણથી દુર રહેતા હોય છે અને આવજ કારણોસર ગુંડાતત્વો, અશિક્ષિત કે અર્ધ શિક્ષિત લોકો રાજકીય ક્ષેત્રે આસાનીથી પ્રવેશ મેળવી પોતાનો આર્થિક લાભ અને સુખ સુવિધા માટે પ્રજાને ઠેબે ચડાવે છે પરંતુ જો વિજયભાઈની જેમ અન્ય શિક્ષિત લોકો પણ ખરા અર્થમાં લોકસેવા માટે મેદાને આવશે ત્યારે લેભાગુ-ગુંડાઓ રાજકારણમાંથી બહાર ફેંકાશે.
હાલ મોરબી માળીયા બેઠક ઉપરથી વિજયભાઈ સરડવાએ કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી કરતા ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે અને મોરબી માળીયાના સ્થાનિક લોકો પણ સ્થાનિક ઉમેદવાર એવા વિજયભાઈની ટીકીટ મળે તેવું ઈચ્છી રહ્યા છે આજે પત્રકાર પરિષદ સમયે મોરબીના રાજકીય આગેવાનો જૂની પેઢીના કોંગી નેતાઓ અને પટેલ સમાજના આગેવાનો વિજયભાઇના ટેકામાં સાથે રહ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો વિજય થાય તે માટે વિજયભાઈએ જીદ કરો જીત મેળવોના મંત્ર મુજબ ચૂંટણીના પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે અને વિજયભાઈને ટીકીટ મળે તે માટે રાજ્યના પ્રાથમિક શિક્ષકોનું સંગઠન તેમની સાથે હોવાનું અંતમાં તેમને ઉમેર્યું હતું.

- text