મોરબી ફરતે રીંગરોડ અને ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજુઆત

વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના હસમુખભાઈ ગઢવી દ્વારા મુદ્દાસર રજુઆત

મોરબી : દિવસેને દિવસે વધી રહેલા મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે ત્યારે તાકીદે મોરબી શહેરના હિતમાં શહેર ફરતે રીંગ રોડ અને જરૂરી ટ્રાફિક ભારણવાળા પોઇન્ટ ઉપર ઓવરબ્રિઝ બનાવવા મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સંવેદક હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને મુદાસરની રજુઆત કરી છે.

ઔધોગિક વિકાસને કારણે મોરબી શહેરની વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે,સ્થાનિક ઉપરાંત પરપ્રાન્તીય લોકોની મોટી વસ્તીને કારણે મોરબીમાં વાહનોની સંખ્યા વધી છે,વળી ઉધોગોને કારણે ભારે વાહનોની અવર જવર પણ સવિશેષ છે ત્યારે તાલુકાકક્ષાના મોરબી શહેરમાં જિલ્લો બનવા છતાં કોઈ બદલાવ ન આવતા ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.
બીજી તરફ માનવ વસ્તી વધવાથી આજે શહેરની ૧૦ કિલોમીટરની ત્રીજીયાનો ભાગ શહેરમાં ફેરવાયો છે પરિણામે જુના મોરબી અને વિષેશતહઃ કેનાલ રોડ અને શહેરની માધ્યમાથી પસાર થતા માર્ગ પરનો વાહનવ્યવહાર શહેરીજનો માટે માથાના દુખાવા રૂપ બન્યો છે.
આ સંજોગોમાં મોરબીનો વિકાસ જોતા આવનારા ભવિષ્ય માટે તાકીદે શહેર ફરતે રીંગરોડની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

બીજી તરફ નવલખી ફાટક,વી.સી.ફાટક,નટરાજ ફાટક,રવાપર ચોકડી અને ઉમિયા સર્કલ પરનો વર્તમાન ટ્રાફિક જોતા ઓવરબ્રિઝ બનાવવાની તાતી જરૂરિયાત છે જો ઉપરોક્ત સ્થળોએ ઓવરબ્રિઝ બને તો વાહન ચાલકોને રાહત મળવાની સાથે બહુમૂલી રાષ્ટ્ર સંપત્તિ એવા પેટ્રોલ-ડીઝલની બચત થશે.
ઉલ્લેખનીય છે કે મોરબી શહેરનો વર્તમાન વિકાસ જોતા જો વિકાસનું આગોતરું આયોજન નહિ થાય તો મોરબી શહેર અનેક સમસ્યાઓથી ઘેરાય જશે આજે જયારે બિલ્ડરોએ પોતાના અંગત સ્વાર્થને સાધવા મવડા નાબૂદ કરાવ્યું છે ત્યારે આ મવડા નાબૂદીની બહુ મોટી કિંમત શહેરના આમ નાગરિકોને આવનાર ભવિષ્યમાં ચૂકવવી જ પડશે તે નક્કી છે.