પોતાના સુરીલા કંઠથી ગરબા ગાઈને એકતાના સુર રેલાવતા મુસ્લિમ ગાયક

- text


ખેલૈયાઓને લાઈવ ગરબાનો કોન્સેપ્ટ મૂળ મોરબીના વવાણીયાના યુનુસ શેખે આપ્યો

મોરબી:ગુજરાતની પ્રાચીન ગરબી થી લઇ અર્વાચીન ગરબાઓ આજે વિશ્વભરમાં ગુંજતા થયા છે ત્યારે આ લાઈવ ગરબા શરૂ કરવાનો શ્રેય મોરબી જિલ્લાના નાના એવા વવાણીયા ગામના મુસ્લિમ યુવાન યુનુસભાઈ શેખના નામે છે. ૧૯૮૫માં સૌ પ્રથમ તેમણે લાઈવ પ્રોફેશનલ ગરબાની શરુઆત રાજકોટ બાલભવન ખાતેથી કરી હતી.
મોરબીના વવાણીયા ખાતે મુસ્લિમ પરિવારના ઘેર જન્મેલ યુનુસભાઈ કરિભાઈ શેખને સંગીતનો વારસો પરિવારમાંથી જ મળ્યો છે તેમના પિતા કારીમભાઈ સારા હાર્મોનિયમ વાદક હતા,બચપનથી જ ગાવાનો શોખ હોવાના કારણે યુનુસભાઈ જ્યારે-જ્યારે સગા વ્હાલના ઘરે પ્રસંગ હોય ત્યારે અચૂક ગાવાનો મોકો શોધી લેતા. માત્ર આઠ ધોરણ સુધી ભણેલા યુનુસભાઈએ ૧૦ વર્ષની ઉંમરે રિધમ પ્લેયરમાં આવડત હાંસલ કરી અઢાર વર્ષની ઉંમરે ગાયનકળામાં મહારથ હાંસલ કરી લીધી હતી ૧૯૮૫ સુધી પ્રોફેશનલ રાસ-ગરબામાં માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ ગીતો જ વાગતા ત્યારે તેઓએ રાજકોટ બાલભવન ખાતે લાઈફ ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવમાં લાઈવ ગરબા ગાવાની નાની શરુઆત કરી.ધર્મે મુસ્લિમ હોવા છતાં ગરબા ગાવાને કારણે યુનુસભાઈને ઘણું સાંભળવું પડ્યું હોવાનું જણાવતા તેમને ઉમેર્યું કે સમય જતાં ખુબજ નામના થતા ટીકા કરનાર લોકો તરફથી જ સન્માન મળવા લાગ્યું છે.

- text

અત્યાર સુધીમાં ૧૦૦૦ થી પણ વધુ લાઈવ પ્રોગ્રામ આપનાર યુનુસભાઈના ગરબા ભારતમાં જ નહીં બલકે દેશના સીમાળા ઓળંગી વિદેશની ધરતી ઉપર પણ એટલા જ લોકપ્રિય બન્યા છે અને અમેરિકા ,લંડન, આફ્રિકા, સિંગાપોર, મસક્ત, દુબઇ, શારજહાં,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ૨૭ જેટલી ટુર કરી ચુક્યા છે શારજહાંમાં તો તેઓ નવરાત્રીમાં ૩ વર્ષ અને માસ્કતમાં એક વર્ષ નવરાત્રી મહોત્સવમાં પોતાની કલાના ઓજસ પાથરી ચુક્યા છે.

યુનુસભાઈએ મુંબઈમાં પણ સારી નામના કાઢી અનુરાધા પોન્ડવાલ, શંકર મહાદેવન, કરશનભાઇ સાગઠિયા, હનીફ અસલમ, સાધના સરગમ સહિતના કલાકારો અને ટી સિરીઝ સાથે કામ કરવા ઉપરાંત એમ ટીવીના લાઈવ પ્રોગ્રામ કરી ચુક્યા છે. લાઈવ ગરબામાં યુનુસભાઈના કોઈ..માટેલ જઈ ને ….મારા વાલાને વઢીને કેજો…ચાંદો ઉગ્યો ચોકમાં…ધડ ધીંગાણે…મારી જનની ના હૈયામાં ….કસુંબીનો રંગ જેવા અનેક ગરબાઓથી તેમને ખૂબ જ ખ્યાતિ મળી છે.
કલાનો વારસો સાચવી રાખનાર યુનુસભાઈ શેખના બે પુત્રોએ પણ સંગીતનો વારસો જાળવી રાખ્યો છે મોટો પુત્ર શાહરુખ સિંગર છે તે નેનો પુત્ર તોફિક રિધમિસ્ટ છે અને પાણી પર રિધમ વગાડી સૌરાષ્ટ્રમાં વોટર ડ્રમિંગ કરનાર પહેલો કલાકાર બન્યો છે. આમ મોરબીના નાના એવા વવાણીયા ગામના મુસ્લિમ પરિવારના યુસુફભાઈએ ધર્મના ભેદભાવ મિટાવી અનેરી સીધી હાંસલ કરી મોરબી જિલ્લાનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.

- text