મવડા અંગે સરકારે સ્પષ્ટતા ન કરતા મોરબીના પ્રજાજનો પરેશાન

- text


બાંધકામ મંજૂરી,બિનખેતી સહિતના કામો અધ્ધરતાલ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ૩૦ ઓગસ્ટના પરિપત્રથી રદ કર્યા બાદ બાંધકામ પરવાનગી અને બિનખેતી પરવાનગી સહિતની બાબતો અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હોય મોરબી શહેર જિલ્લામાં આમ જનતાથી લઈ બિલ્ડર લોબી અને ખુદ અધિકારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા હોવાની ચોકવાનારી બાબત સામે આવી છે આ મામલે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ સરકારમાં સ્પષ્ટતા કરવા રજુઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિકાસની હરણફાળ ભરી રહેલ મોરબીમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની અમ્લવારીમાં પડેલી ગુંચના કારણે ૨૦૦૬ થઈ મોરબીનો વિકાસની ગતિ આડે-પાટે ચડી છે જેમાં મવડાની રચના અને ત્યાર બાદ કેટલાક ગામોની બાદબાકી અને અંતમાં મવડાની જ નાબુદી થઈ જતા મોરબીમાં ટાઉન પ્લાનિંગ યોજનાનુ બાળમરણ થઈ જવા પામ્યું છે.
ગુજરાત સરકારે ૩૦ ઓગષ્ટના પરિપત્રની નાબુદી બાદ જરૂરી સ્પષ્ટતા ન કરતા હાલમાં મોરબીમાં બાંધકામ મંજૂરી અને બિનખેતી પ્રક્રિયા ઠપ્પ થઈ જતા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે આવનારા ભવિષ્યમાં માટે મોટો ખતરો છે અને એકંદરે તો આ ગેરકાયદેસર બાંધકામના બૉમ્બ તો પ્રજા ઉપર જ ફૂટવાના છે. બીજી તરફ કાયદેસરના બાંધકામોની મંજૂરી ન મળતી હોય રિયલ એસ્ટેટ બિઝનેસને અસર પડી છે અને સાચા ખરીદદારોને લોન ન મળતી હોય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ સંજોગોમાં સરકારના શહેરી વિકાસ વિભાગ સમક્ષ કલેક્ટરતંત્ર, મવડા, નગરપાલિકા, નગરનિયોજક અને બિલ્ડર એસોસિએશન ઉપરાંત રાજકીય પક્ષ દ્વારા પણ મવડાની મડાગાંઠ ઉકેલ વા માંગ કરવામાં આવી છે છતાં સરકાર આ પેચીદો પ્રશ્ન ન ઉકેલતા મોરબી શહેર-જિલ્લામાં ભારે મુશ્કેલી ભરી સ્થિતિ નિર્માણ થઈ છે.

બોર્ડમાં સતા સાંભળવા ઠરાવ થઈ ગયો છે;સરકાર પાસે માર્ગ દર્શન માગ્યું છે: ચીફ ઓફિસર
મવડા નાબૂદ બાદ બાંધકામ પરવાનગી અને લે આઉટ પ્લાન મંજુર કરવાની સત્તા મોરબી નગર પાલિકાને સોંપાઈ છે ત્યારે જમીની હકીકત તો એ છે કે નગરપાલિકા પાસે ટાઉન પ્લાનર નથી,સીટી ઈજનેર નથી ત્યારે સ્વાભાવિક પણે મુશ્કેલી પડે જોકે હાલમાં નગરપાલિકાએ મવડાની સતા સાંભળવા બોર્ડમાં ઠરાવ પસાર કર્યો છે અને સરકાર સમક્ષ જરૂરી માર્ગ દર્શન માંગ્યું હોવાનું ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું છે સાથો સાથ સરકારમાંથી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની નિમણુંક થાય તેવી રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.

- text

સરકાર સત્વરે મવડા અંગે સ્પષ્ટતા કરે : મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન
મોરબી:મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી મવડાના નવા નોટિફિકેશનનો યોગ્ય ભાવાર્થ કાઢવા માંગણી ઉઠાવવામાં આવી છે. આ મામલે મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન પ્રમુખ શામજીભાઈ રંગપરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મવડા નાબૂદ કરાયા બાદ બહાર પાડવામાં આવેલ પરિપત્રનો સ્પષ્ટ મતલબ કાઢવાની એસોસિએશન દ્વારા માગણી કરી અસ્પષ્ટ પરિપત્રને કારણે હાલ બિનખેતીની અનેક ફાઈલો નગર નિયોજકશ્રી સમક્ષ પેન્ડિગ પડી હોવાનું જણાવ્યુ હતું. અંતમાં શામજીભાઈએ ઉમેર્યું હતું કે સરકાર અને સ્થાનિક કક્ષાએ જો મોરબીનો ખરેખર વિકાસ કરવો જ હોય તો મોરબી ફરતે ૧૦ કિમીની ત્રીજીયામાં રીંગરોડ બનાવી રાજકોટની જેમ ઔ વ્યવસ્થિત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવી જોઈએ.

મવડા નાબૂદ તો થયું પરંતુ પ્રજાની હાલાકી યથાવત:બાબુભાઇ પટેલ
મોરબીના બિલ્ડર બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મવડા અમલમાં હતું તો પણ પ્રજાજનોને કોઈ ફાયદો મળ્યો નથી અને હાલ મવડા નાબૂદ થઈ ગયું પરંતુ સરકાર દ્વારા પ્લાન પાસ કરવાની તેમજ બાંધકામ અંગેની કોઈ જ સ્પષ્ટતા ન કરતા લોકોની મુશ્કેલી વધવા પામી છે.

સરકાર પાસે માર્ગદર્શન મંગાયું છે : મવડા અધિકારી
મોરબીમાંથી મવડાની તારીખ ૩૦ ઓગષ્ટના રોજ નાબુદી થઈ છે પરંતુ આ નોટીફિકેશનમાં ત્રાજપર અને વાંકાનેર અંગે કોઈ સ્પષ્ટતા ન હોય જિલ્લા કલેકટર કચેરીમાં બેસતી મવડા કચેરી દ્વારા સરકાર પાસે આ મામલે માર્ગ દર્શન માંગવામાં આવ્યું હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતમાં બિનખેતીના અનેક પ્રકરણો પેન્ડિંગ
મવડા નાબુસીની અસમંજસ વચ્ચે મોરબી જિલ્લા પંચાયત દ્વારા મવડામાંથી બાકાત થયેલા ગામોની બિનખેતીની ફાઈલો સ્વિકારવાનું બંધ કર્યું છે ઉપરાંત નગર નિયોજન કચેરીમાં પણ બિનખેતી લે આઉટ મંજુર કરવાની કામગીરી ઠપ્પ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text