મોરબી પાલિકાનો કોમ્યુનિટી હોલ દાંડિયારાસ ક્લાસીસ માટે બે મહિના માટે લ્હાણી કરાયો

- text


પાલિકાએ એક..બે.. દિવસ નહિ બબ્બે મહિના મૌખિક રીતે કોમ્યુનિટી હોલ આપી દેતા ચીફ ઓફિસર ચોકી ઉઠ્યા

મોરબી : મોરબી શહેરમાં કાયદાનું કે નીતિ નિયમોનું અસ્તિત્વ જ ન હોય તેમ દરેક બાબતોમાં રાજકીય હસ્તક્ષેપથી થતા તમામ કાર્યોમાં જનસુવિધા માટેનો કોમ્યુનિટી હોલ દલા તરવાડીની વાર્તાની જેમ એક દાંડિયા કલાસીસ સંચાલિકાને લાખોની કમાણી કરવા મફતમાં એક..બે..કે…પાંચ.. દિવસ નહિ પણ બબ્બે મહિના સુધી લ્હાણી કરવામાં આવ્યો હોવાની સ્ફોટક વિગતો સાથે મોરબીના એડવોકેટે માહિતી અધિકારના કાયદા હેઠળ સવાલો ઉઠાવતા ચકચાર મચી ગઈ છે.
મોરબીના શહેરીજનોને સારા કે માઠા પ્રસંગે ઉપયોગમાં આવે તે માટે પાલિકા દ્વારા બનાવવમાં આવેલો કોમ્યુનિટી હોલ તમામ કાયદા નીતિ નિયમોની ઐસી તૈસી કરી એક દાંડિયારાસ શીખવતી યુવતીને મફતમાં વાપરવા માટે આપી દેવાતા અનેક નાગરિકોના પ્રસંગો અટકી પડ્યા છે.
મોરબી પાલિકાના સતાધીશોને એક આગેવાને મૌખિક સૂચના આપતા છેલ્લા ઘણા સમયથી હો..હા…ગોકીરા અને દેકારો કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહેલ દાંડિયા સંચાલિકાને લ્હાણીમાં આપી દેવામાં આવ્યો છે. જ્યાં એક એક દાંડિયા શીખવા આવનાર પાસેથી ૧૦૦૦ રૂપિયા ફી વસુલ કરાતી હોવાની ચર્ચા થઇ રહી છે.
સામાન્ય દિવસોમાં પાલિકા તંત્ર પ્રતિ દિવસના ૧૦૦૦ રૂપિયાનું ભાડું વસૂલી નાગરિકોના પ્રસંગ માટે ભાડે આ હોલ આપે છે પરંતુ અહિ બબ્બે મહિનાથી શહેરીજનોના ભોગે એક વ્યક્તિની ખુશામત ખોરી કરવામાં આવી રહી છે.
આ મામલે મોરબીના ખ્યાતનામ એડવોકેટ કાજલ ચંડીભમરે આરટીઆઇ મારફતે સવાલો ઉઠાવી માહિતી માંગતા હાલ તો પાલિકા તંત્ર હાફળુ ફાફળુ થઈ ઢાંક પીછોળા માટે પ્રયત્નશીલ બન્યું છે. દરમિયાન કોમ્યુનિટી હોલની બબ્બે મહિના સુધી લ્હાણી કરવા મામલે પાલિકાના બિલ,પાકી પહોંચ સહિતની હકીકતો બહાર લાવવા થયેલી આરટીઆઇથી ખુદ ચીફ ઓફિસર સાગર રાડીયા ચોકી ઉઠ્યા છે.
કોમ્યુનિટી હોલ અંગે આરટીઆઇ અંગે ચીફ ઓફિસર રાડીયાનો સંપર્ક સાધતા તેમણે આરટીઆઇ થઈ હોવાની વાતનો સ્વીકાર કરી એક જ વ્યક્તિને ધંધાદારી હેતુથી મફત માં હોલ આપવા અંગે પગલાં ભરવામાં આવશે તેવું જણાવી હાલ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

- text

- text