મોરબીમાં સામુહિક ગણેશ વિસર્જન: વ્યક્તિગત વિસર્જનની મનાઈ ફરમાવતા જિલ્લા કલેકટર

- text


અગલે બરસ તુમ જલ્દી આના ના નારા સાથે દુંદાળા દેવને વિદાય આપતા ભક્તો: શહેરમાં જુદા જુદા ચાર સ્થળે નગરપાલિકા મૂર્તિ એકત્રિત કરશે

મોરબી : મોરબી શહેરમાં ગણેશવિસર્જન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે એ હેતુથી જિલ્લા કલેકટરે વ્યક્તિગત ગણેશવિસર્જન કરવાની મનાઈ ફરમાવી તમામ આયોજકોને મૂર્તિ નગરપાલિકાને સોંપી દેવા સૂચના આપી છે. અને નગરપાલિકા જુદા જુદા ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરી બાદમાં સામુહિક વિસર્જન કરશે.
ગણેશોત્સવના આજે આખરી દિવસે ભક્તો દ્વારા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ભારે હૈયે દુંદાળા દેવને વિદાય આપવામાં આવશે, બીજી તરફ મોરબી જિલ્લા કલેકટર દ્વારા જળાશયોમાં ચિક્કાર જળરાશી ભરેલી હોય કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુથી તમામ ગણેશોત્સવ આયોજકોને ફરજિયાત પણે નગરપાલિકાના નક્કી કરેલા ચાર જુદા-જુદા સ્થળોએ મૂર્તિ સોંપી દેવા સૂચના આપી વ્યક્તિગત ગણેશ વિસર્જન નહીં કરવા કડક આદેશ જારી કર્યો છે.
વધુમાં મોરબી શહેરમાં આજે નગરપાલિકા દ્વારા શનાળા રોડ સમય ગેટ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્શન સેન્ટર ખોલવામાં આવ્યા છે જ્યાં આયોજકોએ મૂર્તિ સોંપી આપવાની છે.
દરમિયાન મોરબી શહેરમાં અંદાજે ૧૦૦૦થી વધુ સ્થળોએ ગણેશોત્સવના આયોજનો થયા હોય સવારથીજ ભક્તજનો દ્વારા ઢોલ, નગારા, ડીજે અને કેસિયો પાર્ટીના તાલે વિઘ્નહર્તા દેવને અબીલ ગુલાલની છોડો વચ્ચે વિદાય કરવામાં આવી હતી.
સામુહિક ગણેશ વિસર્જન અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે હેતુથી નગરપાલિકા તમામ આયોજકોની મૂર્તિ એકત્રિત કરી બાદમાં ક્રેઇન અને તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આરટીઓ નજીક ખાડીમાં ગણેશ વિસર્જન કરશે. વધુમાં તમામ આયીજકોને અંગે સૂચના આપી દેવામાં આવી છે.

- text