મોરબી જિલ્લામાં આઠ-આઠ માસથી વૃદ્ધ-વિધવા સહાય પેન્શન બંધ

- text


વિકાસ સળસળાટ ભાગ્યો..વૃદ્ધ વિધવા અને વિકલાંગોને પેન્શન ન મળતા હાલત કફોળી

મોરબી: મોરબી જિલ્લામાં વિકાસ સળસળાટ ગતિએ ભાગવા મંડતા છેલ્લા આઠ-આઠ માસથી વૃદ્ધ વિધવા અને વિકલાંગોને પુનઃવસન માટેના પેન્શન આપવાનું બંધ થઈ જતા નિઃસહાય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરી નિરાધાર નિઃસહાય નાગરિકોને સત્વરે પેન્શન ચૂકવવા માંગ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર મોરબી જિલ્લામાં વસવાટ કરતા નિરાધાર વૃદ્ધ, વિધવા અને વિકલાંગ પુનઃ વસન યોજનાના પેન્શન ધારકોને છેલ્લા આઠ-આઠ મહિનાથી પેન્શન આપવમાં ન આવતા મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ આ મામલે જિલ્લા કલેકટરને રજુઆત કરી તાકીદે પેન્શન ચૂકવવા માંગણી ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે નિરાધાર વૃદ્ધ વિધવા નાગરિકો માટે સરકારી પેન્શન સિવાય આવકનો કોઈ વિકલ્પ ન હોય છેલ્લા આઠ માસથી પેન્શન ન મળતા આ લોકોની હાલત કફોડી બની છે અને કેટલાક નિરાધાર નિઃસહાય લોકને તો ભાડા ચૂકવવા અને જમવાના પણ ફાંફા થઈ પડ્યા હોવાનું રજુઆતમાં જણાવાયું છે.
એક તરફ સરકાર વિધવા વૃદ્ધ અને વિકલાંગો માટે જુદી જુદી યોજનાઓ બહાર પાડી વાહવાહીના ગુણગાન ગાઈ રહી છે ત્યારે જમીની હકકીકત કૈક અલગ જ હોવાથી ધારાસભાની ચૂંટણી ટાઈમે જ ગરીબ નિઃસહાય,નિરાધાર લોકોની આતેળી કકડી ઉઠી છે.
રજુઆત ને અંતે સામાજિક કાર્યકર રાજુ દવેએ મોરબી જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા ન હોય ચૂંટણી પહેલા નાગરિકોને ચૂંટણી કાર્ડ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી હતી.

- text