મોરબીના ગ્રામરક્ષક દળના જવાનોએ મશ્કરી સમાન વેતન મામલે સાંસદને આવેદન પાઠવ્યું

- text


કાળઝાળ મોંઘવારીમાં ૩૯૦૦ રૂપરડીમાં ઘર ચલાવવું મુશ્કેલ હોવાની રજુઆત

મોરબી : મોરબીના ગ્રામરક્ષક દળના જવાનો દ્વારા સરકાર દ્વારા અપાતા મજાક સમાન રૂ.૩૯૦૦ માસિક વેતનમાં વધારો કરવાની માંગ સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયાને આવેદનપત્ર પાઠવી વેદના રજુ કરી હતી.
મોરબી જીઆરડી જવાનો દ્વારા સાંસદ મોહનભાઇ કુંડરિયાની આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે આ કાળઝાળ મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા અપાતા ૩૯૦૦ રૂપિયા પગારમાં જીવન નિર્વાહ કરવો મુશ્કેલ છે જેથી અમોને પણ કાયમી કર્મચારી ગણી સમાન કામ સમાન વેતન ચૂકવવા માંગણી ઉઠાવી હતી. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગ્રામરક્ષક દળના જવાનો કોઈપણ સ્થિતિમાં પોલીસ સાથે ખભેખભા મિલાવી કામ કરે છે,જેમાં નાઈટડ્યુટી,વી.વી.આઈ.પી. બંદોબસ્ત,ચૂંટણી,ધાર્મિક કાર્યક્રમો,માનવ સર્જિત કે કુદરતી આફતો તેમજ કોઈપણ તહેવાર હોય જીઆરડી જવાનો પોતાના ઘર પરિવારને એકબાજુ મૂકી પોલીસની સાથે ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.પરંતુ વેતન આપવામાં આ બધી કામગીરીને નજર અંદાજ કરવામાં આવે છે. સરકારી કે અર્ધ સરકારી કર્મચારી જેવા લાભોતો ઠીક સરકાર ૧૦૦ રૂપિયા ભથ્થુ અને ૩૦ રૂપિયા ભાડું મળી માત્ર ૧૩૦ રૂપિયા દૈનિક ચૂકવે છે જે મોંઘવારીના સમયમાં પુરા પડી શકે તેમ નથી.
ઉલ્લેખનીય છે કે જીઆરડી જવાનોની જેમ જ હોમગાર્ડ ફરજ બજાવે છે છતાં હોમગાર્ડને ૩૦૦ રૂપિયા દૈનિકભથ્થુ ચૂકવાય છે,જેથી જીઆરડી જવાનોને પણ સરકાર દ્વારા હોમગાર્ડની જેમ દૈનિક ૩૦૦ રૂપિયા ચૂકવવા આવેદનપત્રના અંતે જણાવાયું હતું.

- text

- text