મોરબીમાં ગજાનનની પીઓપીની મૂર્તિ સામે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ક્રેઝ

મોરબીમાં વેચાતી ઇકોફ્રેન્ડલી મૂર્તિ રાપરના વિકલાંગો માટે બની રોજગારીની સ્ત્રોત

મોરબી : વર્ષો પહેલા ગણેશ મહોત્સવ દરમિયાન માટીની મૂર્તિઓ બનાવીને ગજાનનની આરાધના કરવામાં આવતી હતી. પરંતુ આધુનિકતાની સાથે હવે માટીની મૂર્તિઓનું સ્થાન પીઓપીની મૂર્તિઓએ લઈ લીધું છે. પીઓપીની મૂર્તિ કેમિકલ યુક્ત હોવાથી હાનીકારક છે. તેની સામે ઇકો ફ્રેન્ડલી ગણાતી માટીની મૂર્તિ તમામ દ્રષ્ટીએ સુયોગ્ય છે. ત્યારે રાપરની સંસ્થાન વિકલાંગો માટે ગજાનનની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ રોજગારીનો સ્ત્રોત બની ગઈ છે. વિકલાંગો માટીની જાત જાતની આકર્ષક અને સુશોભન મૂર્તિઓ બનાવીને મોરબી સહિતના શહેરોમાં વેચીને આર્થિક રીતે પગભર બન્યા છે.
કચ્છના રાપરમાં આવેલી ગ્રામ સેવા સંગઠન સંસ્થા વિકલાંગો તથા મનોવિકલાંગોનો નિભાવ કરે છે. આ સંસ્થા વિકલાંગોને સ્વમાનભેર જીવન જીવતા શીખવીને રોજગારી માટેની તાલીમ આપે છે. વિકલાંગોમાં આત્મવિશ્વાસની સાથે સર્જનાત્મક શક્તિ અખૂટ હોવાથી બે વર્ષ પહેલા વિકલાંગોએ ગણપતિની માટીની મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. અને માટીમાંથી કુશળતાપૂર્વક મૂર્તિઓનું સર્જન કર્યા બાદ તેને પોતાના રોજગારીનું કેન્દ્ર બનાવી દીધું હતું. આ વર્ષે વિકલાંગોએ આશરે ૧૫૦૦થી વધુ મૂર્તિઓ બનાવી છે. જેમાં એક ફૂટથી માંડીને સવા ફૂટની મૂર્તિઓ બનાવી છે. માટી માંથી સંપૂર્ણ રીતે તૈયાર થયેલી મૂર્તિઓને ગામની વિધવા બહેનો જુદો જ ઘાટ આપે છે. વિધવા બહેનો મૂર્તિનું કલરકામ અને સાજ શણગાર કરે છે. ત્યારબાદ વિકલાંગો ગાંધીધામ, મોરબી ઉપરાંત રાજકોટમાં વેચવા જાય છે. આ રીતે વિકલાંગોની સાથે ગામની વિધવા બહેનો પણ આત્મનિર્ભર બની છે. જોકે માટીની મૂર્તિઓ સુંદર અને મનમોહક છે. એના કરતા વધુ આકર્ષક નાળીયેરના રેસાની મૂર્તિ છે. વેસ્ટ માંથી બેસ્ટની જેમ નાળીયેરના રેસમાંથી ૪ ફૂટની વિશાળ કદની ગજાનનની મૂર્તિનું નિર્માણ કરાયું છે. રાપરની સંસ્થાના દેવાભાઈ રાજપૂત અને મોહન ભૂત મોરબીના આ મૂર્તિઓ વેચાણ અર્થે આવ્યા છે. તેઓ કહે છેકે, હવે પીઓપીની જગ્યાએ માટી અને ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ લોકો વધુ પસંદ કરતાં થયાં છે. મોરબીમાં અમારી સંસ્થાના વિકલંગોએ બનાવેલી મૂર્તિઓનું સારું વેચાણ થાય છે. આજે આ મૂર્તિઓ અમારા માટે રોજગરીનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે.