મોરબી જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે એકલા હાથે વિક્રમ જનક ખનીજચોરી ઝડપી

- text


ખાણીજચોરી પકડવાની જવાબદારી છતાં મોરબી મામલતદાર-પોલીસ અને એસઓજી સદંતર પણે નિષ્ક્રિય

મોરબી: મોરબી જિલ્લામાં ખાણીજચોરીનું ઊંચું પ્રમાણ હોવા છતાં સરકાર દ્વારા પૂરું મહેકમ ફાળવવામાં આવતું નથી અને પોલીસ મામલતદારની જવાબદારી હોવા છતાં ખાણીજચોરી પકડવામાં રસ દાખવતા નથી, આવા વિપરીત સંજોગોમાં પણ મોરબી ખાણ-ખનીજ વિભાગે આભૂતપૂર્વ કામગીરી કરી ચાલુ નાણાકીય વર્ષમાં એકલા હાથે 112 કેસ કરી 73.48 લાખની વસુલાત કરી છે.
ખાણ-ખનીજ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, મોરબી જિલ્લામાં હળવદ, માળીયા, ટંકારા અને વાંકાનેર સહિતના તાલુકાઓમાં બેફામપણે ખનીજ ચોરી થઈ રહી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ખનીજચોરી પકડવામાં મુશ્કેલી પડી રહી છે આમ છતાં ચાલુ નાણાંકીય વર્ષમાં ખાણ-ખનિજ વિભાગે એકલા હાથે 112 થી વધુ કિસ્સામાં 73.48 લાખની ખાણીજચોરી પકડી વસુલાત કરી છે.
ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ 2015-16 માં ખાણ ખનિજ વિભાગે કુલ 205 કિસ્સામાં 98.85 લાખ ની વસુલાત કરી હતી અને નાણાકીય વર્ષ 2016-17માં વિભાગે ખનીજ ચોરીના 229 કિસ્સામાં 85.95 લાખ રૂપિયા વસુલ કરી સરકારની તિજોરીમાં જમા કરાવાયા હતા અને ચાલુ વર્ષે તો માત્ર ચાર માસમાં જ અગાઉના વર્ષોની તુલનાએ જોરદાર કામગીરી ઓછા સ્ટાફથી કરવામાં આવી છે.
બીજી તરફ કુદરતી સંપત્તિને લૂંટી રાજ્યની તિજોરીને નુકશાન પહોંચાડી રહેલા ખનીજ ચોરોને ઝડપી લેવાની વિશેષ જવાબદારી જેમને સોંપાઈ છે તેવા ડે.કલેકટર, મામલતદાર, એલસીબી, એસઓજી કે સ્થાનિક પોલીસ દ્વારા ખાનીજચોરી પકડવામાં જરા પણ રસ દાખવવામાં આવતો નથી પરિણામે ખનિજચોરોને મોકળુ મેદાન મળ્યું છે.
વધુમાં મોરબી જિલ્લામાં ખનીજ સંપત્તિનો બહુ મોટો ખજાનો છે અને એટલા માટે જ દર વર્ષે સરકારને કરોડો રૂપિયા લિઝની આવક રૂપે મળી રહ્યા છે જે જોઈએ તો નાણાકીય વર્ષ 2014-15માં 1167.69 લાખ રૂપિયા,2015-16માં 1010.15 લાખ રૂપિયા અને 2016-17માં 1553.8 લાખની આવક લીઝ રૂપે થઈ હતી જે ચાલુ વર્ષના ત્રણ માસમાં 577.7 લાખ થઈ હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
આ સંજોગોમાં જો ખાણ-ખનીજ વિભાગની સાથે સાથે બીજા વિભાગો પણ જવાબદારી પૂર્વક કામગીરી કરે તો સરકારની તિજોરીમાં ગાબડાં પડતા શખ્સો ઝેર થાય તેમ છે.

- text