મોરબી ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે ભગવાનનું જન્મ વાંચન : અઢી લાખની ઉછામણી

મોરબી: મોરબી જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે આજે પૂ. ગુરૂદેવોના શ્રીમુખે ‘કલ્પસૂત્ર’ના વાંચન કરી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન તથા માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નાનું વર્ણન થયું. દરેક સ્વપ્નાની ઉછામણી થઈ લાભાર્થી પરીવારે સ્વપ્નને હૈયાના ‘હેત’થી અક્ષત દ્વારા વધાવ્યુ. સોનાની માળા વડે,ફુલની માળા વડે સ્વપ્નને સુશોભિત કરીને સ્વપ્નના પ્રતિકને મસ્તક પર મૂકીને વધામણા કર્યા.આજે જીનાલયોમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
ત્રિશલા રાણીએ અર્ધ જાગૃત અવસ્થામાં ૧૪ સ્વપ્નો જોયા. જેમાં ગજવર, વૃષભ, સિંહ તથા લક્ષ્મીદેવીનું વર્ણન ગઈકાલે કરાયુ હતું.સ્વપ્નએ સર્જનની ભૂમિકા બતાવે છે. ત્રિશલા રાણીએ ચૌદ સ્વપ્ન જોયા. તેથી તે તીર્થકરનું સર્જન કરનારી બની.જૈન સમાજ પર્યુષણ મહાપર્વની ભકિતમાં લીન છે. આજે ત્રિશલામાતાના ચૌદ સ્વપ્નોની વધામણી કરાઈ હતી. મહાવીર જન્મ વાંચનમાં વીર પ્રભુને પારણે ઝુલાવાયા હતા. માતા ત્રિશલાને આવેલ સ્વપ્નાઓના ”ઘી” બોલાયા હતા.જેમાં મોરબી ખાતે ભગવાનના જન્મ વાંચન સમયે ત્રણેય લોકમાં વાતાવરણમાં ફેરફારનું વર્ણન કરવામાં આવ્યું હતું.અને અઢી લાખની ઊછમણી થઈ હતી.
આજે પૂ. ગુરૂ ભગવંતોએ માતા ત્રિશલાના સ્વપ્નો ફુલની માળા, ચંદ્ર, સૂર્ય, ધની, પૂર્ણ કળશ, પદ્મસરોવર, સમાકર, દેવવિમાન, રત્નનો ઢગલો, ધુમાડા વગરની અગ્નિ શીખા વગેરેનું વર્ણન કર્યુ. જૈનોએ પ્રભુ વીરના જન્મનું વર્ણન અનેરા ધર્મોલ્લાસ સાથે સાંભળ્યું.
જિનાલયમાં આજે મહાવીર જન્મવાંચન કરાયુ હતું. ત્રિશલા માતાના સ્વપ્નાઓને વધાવાયા હતા. સંઘોમાં સંઘ જમણ યોજાયુ હતું. જેમાં શ્રાવકો લાભ લઈ ધન્ય બન્યા હતા. જેમાં એક પછી એક સ્વપ્નાઓ થકી શ્રાવિકો ભકિતમાં ડૂબ્યા હતા. પ્રભુજીને અલૌકિક આંગી કરવામાં આવી હતી. મહાવીર જન્મ વાંચન દરમિયાન ભકિત – સંગીત ગવાયુ હતું. જૈન જૈનેતરો દ્વારા પ્રભુ મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી જૈન સમાજના પ્રમુખ નવીનભાઈ મહેતા સહિતના જૈન શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ દોશીએ કર્યું હતું.