સિવિલ હોસ્પિટલમાં જનરેટર હોવા છતાં એક્સરે મશીન બંધ રહેતા સેંકડો દર્દીઓ હેરાન

મંગળવાર અને શુક્રવારે જ થતી ઓર્થોપેડિક ઓપીડીના દર્દીઓ સાંજ સુધી હેરાન થયા

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો હતો,ગઈકાલે મોરબીના મચ્છુ ડેમ તૂટવાની અફવાને પગલે આજે ઓર્થોપેડિક ઓપીડીમાં સારવાર માટે આવેલા અનેક દર્દીઓને વીજળી ગુલ થવાથી જનરેટર હોવા છતાં એક્સરે માટે સાંજ સુધી હોસ્પિટલમાં ગંદકીમા દિવસ ગુજારવો પડ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં કાયમી માટે મંગળવાર અને શુક્રવારના રોજ તજજ્ઞ તબીબ ડો.જાનીસાહેબ ઓપીડી લે છે અને ગરીબ દર્દીઓ હાડકાના દર્દ માટે ભગવાન સમા ડો.જાનીને બતાવવા માટે સવારે છ વાગ્યા થી સિવિલ હોસ્પિટલમાં કતાર લગાવતા હોય છે પણ સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ચીપકી બેસેલા અધિકારીઓ દર્દીઓ માટેની સવલત આપવામાં ઉણા ઉતારતા હોય ગરીબ દર્દીઓને હેરાન થવું પડે છે.
ડો.જાની સાહેબની ઓપીડી ના દિવસે જ હોસ્પિટલની વીજળી ગુલ થઇ ગઈ હતી પરંતુ દર્દીઓની સુવિધાને બદલે પોતાની ઓફિસમાં એસી માટે જનરેટર સેટ લગાવનારા અધિકારી એક્સરે માટે જનરેટર નો પાવર સપ્લાય ન આપતા હોવાથી હાડકાના અનેક દર્દીઓને પાવર આવે ત્યાં સુધી સિવિલમાં ગંદકીમાં બેસી રાહ જોવી પડી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ડેમ તુટવાની અફવામાં થયેલી દોડા-દોડીમાં અનેક લોકોના હાડકા ભાંગતા આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબને તબિયત બતાવવા દર્દીઓની લાઈનો લાગી હતી પણ સિવિલના રેઢિયાળ તંત્રના પાપે દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો હતો.