મોરબી : બારે મેઘ ખાંગા : અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા : મચ્છુ 2 ડેમ સહિતના મોટાભાગના ડેમ ઓવેરફ્લો : મચ્છુ નદી બે કાંઠે

- text


મચ્છુ-2 અને મચ્છુ-3 ના દરવાજા ખોલતા મચ્છુ નદીમાં ઘોડાપુર : નદીના પટ માંથી 250થી 300 લોકોનું સ્થળાંતર કરાયું

મોરબી : ગઈકાલ સવારથી આજ સવાર સુધીમાં મોરબી જિલ્લામાં બારે મેઘ ખાંગા બનતા ટંકારામાં ૩૭૯ મીમી. વાંકાનેર ૧૪૧ મીમી, માળિયા.મી.માં ૬ મીમી, હળવદમાં ૨૨ મીમી અને મોરબી ૧૦૫ મીમી વરસાદ નોંધાયો છે. હજુ પણ ધીમીધારે સમગ્ર જિલ્લામાં વરસાદ ચાલુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે દિવસ ભર ધીમીધારે વરસાદ ચાલુ રહ્યા બાદ આજે સવાર થી મોરબી શહેરમાં ભારે વરસાદ વરસવાનું શરુ થયું છે. સવારે છ વાગ્યાથી શરુ થયેલા સુપડાધાર વરસાદ ને કારણે બે કલાકમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દરમિયાન ગઈકાલે રાત્રી દરમિયાન ઉપરવાસ વરસાદને કારણે મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબીની મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યા છે અને નદીના પટ માં વસવાટ કરતા 250 થી 300 જેટલા માણસોનું સ્થળાંતર કરી અત્રેની ગર્લ્સ સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હોવાનું ઇન્ચાર્જ મામલતદાર શ્રી કૈલાએ જણાવ્યું હતું. વધુમાં એક સાથે ચાર ઈંચ વરસાદ ખાબકતા મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉપરાંત સનાળારોડ,વાવડીરોડ,રવાપર રોડ,નગર. દરવાજા સહિતના સ્થળોએ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી-ટંકારા પંથકમાં ભારે વરસાદને કારણે નગરપાલિકા તંત્ર સાબદું બન્યું છે અને પાણી ભરાવા કે અન્ય બચાવ રાહત ની કામગીરી માટે નગરપાલિકા દ્વારા જેસીબી,ટ્રેક્ટર સાથે ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ બે રાખવામાં આવી હોવાનું નગર પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાએ જણાવ્યું હતું.
મોરબી જિલ્લામાં ૨૪ કલાક સતત વરસાદ પડતા મચ્છુ ૨ ડેમમાં તોતિંગ પાણીની આવક થઈ છે. જેના કારણે ગત રાત્રીના ડેમનાં ૧૪ દરવાજા ૧૩ ફૂંટ સુધી ખોલવામાં આવ્યા હતા. જયારે વરસાદનું જોર ઘટતા હાલમાં ૭ દરવાજા ૪ ફૂંટ સુધી ખુલ્લા છે. જેમાં પ્રતિ સેકંડ ૧૭૭૦૦ કયુસેક પાણી છોડવામાં આવે છે. જેમાં સવાર ૬ વાગ્યા સુધીમાં ૧૨૩૦ એમસીએક્સ પાણી છોડી દેવામાં આવ્યું છે. મચ્છુ-૨ ડેમના દરવાજા ખુલ્લા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. આથી ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. મચ્છુ-૩ ડેમનાં ૧૨ દરવાજા ૫ ફૂંટ ખુલ્લા છે. આ સિવાય મીતાણા, હરીપર, ઉચકોટડા, હટબતયાડી, રાજાવરડા સહિતનાં નીચાણવાળા ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદથી પાણી ભરાતા રાતીદેવડીમાં ૫૦ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વાંકાનેર પોલીસ અને પ્રજા દ્વારા લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા તેમજ મોરબીમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થતા ૨૦૦થી ૩૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે મોરબી કલેકટર દ્વારા સ્કુલ, કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા સુચના અપાઈ છે.

- text