મોરબી : સમગ્ર જિલ્લામાં માગ્યા મેઘ વરસતા જગતનાં તાત વાવણીમાં જોતરાયા

- text


હાલમાં ૪૦ ટકા સુધીનું વાવતેર કરતા ખેડૂતો : બે દિવસ વરાપ રહે તો ૯૦ ટકા સુધી વાવતેર થવાની સંભાવના

મોરબી જિલ્લા પર મેઘરાજાની મહેરબાનીથી કાચું સોનું વરસ્યું છે. આથી ધરતીપુત્રો બેવડા જોશ અને ઉમંગથી વાવણી કાર્યક્રમમાં જોતરાયા છે. મોરબી જિલ્લામાં ચોમાસાંનાં પ્રારંભે મેઘરાજાએ ખાસ્સી રાહ જોવડાવ્યા બાદ મન મૂકી વરસ્યા હતા ત્યારે વાવણીલાયક સારા વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ચૂક્યા છે. મૌસમનો પ્રથમ વરસાદ સારા પ્રમાણમાં થતા ખેડૂતોએ વાવણીની કામગીરી શરુ કરી દીધી છે.
ખેતી વિસ્તરણ અધિકારી ગજેરાએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લાનાં ૩૧૯૦૨૩માંથી ૧૩૦૨૧૩ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. જેમાં મોરબીમાં ૧૬૨૭૬, માળિયામાં ૧૯૫૦, ટંકારામાં ૫૩૨૭, વાંકાનેરમાં ૩૭૭૬૫ અને હળવદમાં ૬૩૯૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે બાજરીનું ૨૦૦, મગ ૮૦, અડદ ૯૦, અન્ય કઠોળ ૧૦૦, મગફળી ૨૭૪૯૫, તાલ ૬૭૧, કપાસ ૯૮૮૧૫, ગુવાર ૫૦૦, શાકભાજી ૪૪૭, ઘાસચારો ૧૩૨૦ હેક્ટરમાં વાવેતર થયું છે. બે દિવસ પહેલા સારો વરસાદ થવાથી જિલ્લામાં તમામ જગ્યાએ વાવેતર શરુ થઈ ગયું છે અને હજુ બે દિવસ તરાપ રહેશે તો વાવેતર ૯૦ ટકા સુધી પહોચવાની શક્યતા છે.
માળિયા મી.નાં ખેડૂત રાજેશભાઈ વારેવડીયાએ મોરબી અપડેટને જણાવ્યું જતું કે, બે દિવસ સુધી સારો વરસાદ પડવાથી મગફળી, કપાસ અને તલનું વાવેતર કરી રહ્યા છે. આ બાબતે ચોમાસું સારું હોવાનો સંકેત હોવાથી ઉત્પાદન સારું આવશે. મોરબી તાલુકાનાં વિરપરડા ગામનાં ખેડૂત કનુભાઈ ગામી કહે છે કે, ગત વર્ષ કરતા આ વર્ષ સારો વરસાદ પડતા ખોટ સરભર થઈ શકશે. તેમને કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે. જ્યારે ટંકારા તાલુકાનાં વીરપર ગામનાં ખેડૂત મહેશભાઈ લીખીયાએ જણાવ્યું હતું કે, ટંકારા તાલુકામાં આ વર્ષે ભારે મેઘકૃપા થતા તળાવો અને ડેમ છલકાઈ ગયા છે. કપાસ સહિત વાવણી કરી દેવાય છે. અને ઈશ્વરકૃપાથી બીજા રાઉન્ડમાં સારો વરસાદ થશે તો મબલક ઉત્પાદનની શક્યતા છે.

- text

- text