મોરબી : સ્માર્ટ પોલિસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં અલીગઢી તાળા

તંત્રની આળસુવૃત્તિનો ભોગ પ્રજાએ ભોગવવો પડે છે

મોરબીમાં સ્માર્ટ સીટી પોલીસ સ્ટેશન ગણાતાં એ ડિવીઝનમાં અગાઉ શરૂ કરાયેલું નાગરિક સુવિધા કેન્દ્ર માત્ર શરૂઆતમાં એક દિવસ ચાલુ રહ્યા બાદ હાલમાં અલીગઢી તાળા લટકી રહ્યા છે. અત્યારે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળે છે. તેથી લોકો આ અગત્યની સુવિધાથી વંચિત રહી ગયા છે.
મોરબી એ ડિવીઝનને અગાઉ અદ્યતન સુવિધાથી સજ્જ કરીને રાજ્યનું એકમાત્ર સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. અને મોરબીમાં ૧૫મી ઑગસ્ટના રાજ્યક્ક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે આ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મુકાયું હતું. આ નાગરિક સુવિધા કેન્દ્રનો હેતુ એ છે કે, જિલ્લાના કોઈપણ નાગરિક ક્રાઇમને લગતી સીધી ઓનલાઈન અરજી નાગરિક સુવિધા કેન્દ્રમાં કરી શકે અને તેનો ઝડપથી ઉકેલ આવે છે પરંતુ સંબધિત તંત્રની આળસવૃતિને કારણે આ હેતુ સાકાર થયો નથી. જ્યારે નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મુકાયું ત્યારે એ એક દિવસ માટે ચાલુ રહ્યું હતું. ત્યાર પછીથી આ નાગરિક સુવિધા કેન્દ્રને તાળા લટકી રહ્યા છે. અને બંધ હાલતમાં હોવાથી લોકો આ સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. જો કે, જવાબદાર અધિકારી સૉફ્ટવેરના વાંકે બંધ હોવાનો લુલો બચાવ કરી રહ્યા છે. સૂત્રનાં જણાવ્યાં મુજબ આ નાગરિક સુવિધા કેન્દ્રની ચાલુ કરવાની કોઈ દાનત જ નથી. તેથી લોકોને સ્પર્શતી આ મહત્વની સુવિધા સામે ગ્રહણ લાગી ગયું છે.