મોરબી : લાલપર પાસે એસટી બસના પ્રશ્ને છાત્રોનો ચક્કાજામ

બસ ઉભી ના રાખતા ઉશ્કેરાયેલા લાલપરના છાત્રોએ 3 કલાક સુધી ચક્કાજામ કરતા હાઇવે પર ટ્રાફિક જામ : અંતે પોલીસે મામલો થાળે પાડ્યો

મોરબી : મોરબી નજીક લાલપર ગામે એસટી બસ સ્ટોપ હોવા છતાં ઉભી ના રહેતી હોવાથી લાલપરના ઉશ્કેરાયેલા છાત્રોએ આજે વહેલી સવારમાં એસટી બેસઓને અટકાવી હાઇવે પર ચક્કાજામ કરી દેતા થોડીવાર ભારે અફડાતફડી મચી ગઈ હતી. અને એસટી અને પોલીસ તંત્રએ સ્થળ પર દોડી જઈ મામલો થાળે પડ્યો હતો.
લાલપર ગામેથી મોટી સંખ્યામાં છાત્રો એસટી બસમાં મોરબી અભ્યાસ અર્થે આવે છે. પરંતુ વેકેશન ખુલ્યા બાદ એસટી બસના ડ્રાયવરની મનમાની ચલાવી બસને લાલપર સ્ટોપ હોવા છતાં ઊભી ન રખાતી હોવાથી અને આ બાબતે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ હલ ન આવતા આજે સવારે લાલપરના છાત્રો દ્વારા લાલપર ગામ નજીક એસટી બસો ર્રોકીને ચક્કાજામ કર્યો હતો. છાત્રોની સાથે લાલપર ગામના આગેવાનો પણ જોડાયા હતા. અને સતત 3 કલાક સુધી ચક્કાજામ કરતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. અંતે મોરબી એસટી તંત્ર અને પોલીસ અધિકારીઓને સ્થળ પર આવાની ફરજ પડી હતી.અને છાત્રોને લેખિતમાં અલગ બસ અને અન્ય બસોના સ્ટોપ આપવાની ખાતરી આપ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.